શ્રીનગરઃ પુંછ જિલ્લાની કૃષ્ણાઘાટી ખાતે 4 ફેબ્રુઆરીએ રાત્રે ભારતીય સેના દ્વારા 7 પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર મારવામાં આવ્યા. આમાં પાકિસ્તાની સેનાના 3 સૈનિકોનો પણ સમાવેશ થાય છે. આ પાકિસ્તાની ઘૂસણખોરો નિયંત્રણ રેખા (LoC) નજીક ઘૂસણખોરીના પ્રયાસમાં હતા. આ ઘૂસણખોરોની ભારતીય સેનાની આગળની ચોકી પર હુમલો કરવાની યોજના હતી. જો કે ભારતીય સેનાને આ અંગેની માહિતી મળી અને તેઓ તેમનો ઇરાદો પૂર્ણ કરે તે પહેલાં જ કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું.
ઘૂસણખોરી દરમિયાન માર્યા ગયેલા 7 ઘૂસણખોરોમાં પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ (BAT)ના 3થી 4 સભ્યો પણ હતા, જેઓ સરહદ પારની કામગીરીમાં નિષ્ણાત માનવામાં આવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહીમાં માર્યા ગયેલા આતંકીઓ અલબદ્ર ગ્રૂપના હોઈ શકે છે. ઘૂસણખોરીનો આ પ્રયાસ એવા સમયે કરાયો છે જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પહેલાંથી જ કહી ચૂક્યા છે કે અમે ભારત સાથેના તમામ મુદ્દા વાતચીતથી ઉકેલીશું.