જૂનાગઢઃ જોમ અને જુસ્સા સાથે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને સર કરવા રવિવારે દેશનાં 20 રાજ્યોના 570 સ્પર્ધકોએ દોટ મૂકી હતી. સ્પર્ધામાં સિનિયર બહેનોમાં પ્રથમ ક્રમે 32:34 મિનિટના સમય સાથે ઉત્તરપ્રદેશની તામસીસિંઘે મેદાન માર્યું હતું. સિનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે ઉત્તરાખંડના દિગંબરસિંઘે 53:28 મિનિટમાં, જ્યારે જુનિયર બહેનોની કેટેગરીમાં પ્રથમ ક્રમે 33:40 મિનિટ સાથે વારાણસીની રંજના યાદવ અને જુનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે 56:41 મિનિટ સાથે ઉત્તરપ્રદેશના બબલુ સિસોદિયાએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જૂનાગઢમાં અખિલ ભારત ગિરનાર આરોહણ સ્પર્ધામાં દેશનાં 20 રાજ્યોમાંથી 570 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સવારે 6:45 વાગ્યે ભાઈઓના પ્રથમ ચરણની સ્પર્ધાનો પ્રારંભ થયો હતો.
કુલ 4 કેટેગરીમાં પ્રથમ ક્રમે વિજેતા થનારાને સરકાર દ્વારા રૂ. 1 લાખનો પુરસ્કાર અપાયો હતો. ઉપરાંત ઉક્ત ચારેય કેટેગરીમાં ટોપ-10માં સ્થાન પ્રાપ્ત કરનારા સ્પર્ધકોને કુલ રૂ. 19 લાખના પુરસ્કાર વિતરીત કરવામાં આવ્યા હતા.