સુરતઃ અમેરિકાના લોસ એન્જલસમાં રહેતા મૂળ સુરતના યોગી પટેલ ઉદ્યોગપતિ છે અને રિપબ્લિકન પાર્ટી સાથે પણ જોડાયેલા છે. એક અખબાર સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, અસંખ્ય ગુજરાતીઓ રૂ. 2થી 3 કરોડ ખર્ચીને અમેરિકામાં ગેરકાયદે ઘૂસ્યા છે. કેટલાક તો વર્ષોથી રહે છે. એમાંના કેટલાક લોકોએ અમેરિકામાં અસાઇલમ માગ્યું છે. ભલે એ લોકો ગેરકાયદે ઘૂસ્યા હોય પણ અમેરિકા આવ્યા બાદ કામ-ધંધો કરતા હોય,. ટેક્સ ભરતા હોય તો તેમની અપીલ સરકાર માન્ય રાખી શકે. બાકી ડિપોર્ટ સિવાય માર્ગ નથી.
તેમણે કહ્યું કે અમારી પાસે પણ ઘણા લોકો સલાહ લેવા આવે છે કે, હવે શું કરવું? અમે તેને કહીએ છીએ કે, કોઈ ફાંફાં માર્યા વગર સરેન્ડર કરી દો. તમને કંઈ તરત જ કાઢી નહીં મૂકે. તમારી વાત પણ સાંભળશે. એવા કેટલાયે લોકો છે જે ગેરકાયદે આવ્યા પણ પછી તેને રહેમરાહે સિટીઝનશિપ અપાઈ હોય. જે લોકો હજુ ગેરકાયદે અમેરિકા આવવા માગે છે એને અમે કહીએ છીએ કે, ખોટું જોખમ લેવાનું રહેવા દો. જેટલાં નાણાં ખર્ચીને તમે અમેરિકા આવો છે એના વ્યાજમાંથી જ તમે ભારતમાં સારી રીતે જીવી શકો છો.