અમદાવાદઃ 4 ફેબ્રુઆરીએ અમેરિકા દ્વારા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવાના સમાચાર બાદ ગુજરાતના જે લોકો ગેરકાયદે અમેરિકા ગયા હતા તેમનાં માતા-પિતા અને પરિવાર ચિંતામાં સરી પડ્યાં હતાં. આ સમયે ઘણા સમયથી પોતાનાં સંતાનોની રાહ જોઈ રહેલાં માતા-પિતાએ પોતાની વેદના વ્યક્ત કરી હતી અને ભગવાનને એક જ પ્રાર્થના કરી હતી કે, ‘અમારાં સંતાનો હેમખેમ પરત આવી જાય.’
કેદી જેવો વ્યવહાર કરાયો
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતી પૈકી વડોદરાના લુણા ગામની ખુશ્બૂ પટેલ પણ પરત ફરતાં વડોદરા પોલીસની ટીમ અમદાવાદથી તેને લઈ પાદરા અને બાદમાં લુણા તેના ઘરે પહોંચી હતી. દીકરીને જોતાં જ પિતા ચોધાર આંસુએ રડી પડ્યા હતા. ખુશ્બૂના ભાઈએ કહ્યું કે, પોતાની બહેન સહિત જે લોકોને અમેરિકાથી અમૃતસર લવાયા ત્યારે પ્લેનમાં હાથકડી પહેરાવી કેદી જેવો વ્યવહાર કરાયો.
કેતુલ ઘર વેચીને અમેરિકા ગયો હતો
પાટણના મણુંદ ગામના કેતુલ પટેલને સુરતમાં હીરાના વેપારમાં ખોટ આવતાં માતા-પિતાની જાણ બહાર જ તેના ભાગનું ઘર વેચી પત્ની અને બાળકો સાથે ગેરકાયદે અમેરિકા જતો રહ્યો હતો. કેતુલના ડિપોર્ટ કરવાના સમાચાર સાંભળી તેનાં માતા-પિતાના મોઢે બસ એક જ શબ્દ હતો કે, ‘તેઓ હેમખેમ પરત આવી જાય.’ અમેરિકા ગયા બાદ વાત પણ થઈ નહોતી, હવે તેઓ પરત આવ્યા છે ત્યારે સુખ-શાંતિથી ભેગા રહીશું.
મારી દીકરી તો યૂરોપ ફરવા ગઈ હતી
મહેસાણાના ડાભલા નજીક આવેલા ચંદ્રપરા ખાતે રહેતા કનુભાઈ પટેલની દીકરી એક મહિના બાદ અમેરિકાથી પરત ફરી. કનુભાઈએ કહ્યું કે, ‘મારી દીકરી નિકિતા તો યૂરોપ ફરવા જવાનું કહીને ગઈ હતી, પણ તે અમેરિકા કેવી રીતે પહોંચી એ મને ખબર જ નથી. મારી દીકરીને MSCના અભ્યાસ બાદ સારી જોબ મળી નહોતી, ત્યારે અચાનક દીકરીએ મિત્રો સાથે યૂરોપ ટૂરનો પ્લાન બનાવ્યો હતો.
જીવતે જીવ નરક જોયું
એક યુવતીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, મેં 25 દિવસ પહેલાં જ આંખમાં આશા સાથે ગુજરાત છોડ્યું હતું. દિવસ-રાજ ચાલી હું મેક્સિકો બોર્ડર પહોંચી પણ બોર્ડર સિક્યોરિટી ફોર્સથી બચી ન શકી. મેં નરક વિશે સાંભળ્યું હતું, પરંતુ અમેરિકામાં જોઈ પણ લીધું. અમને મહિલા ડિટેન્શન સેન્ટરના નાના અંધારા રૂમમાં નાખી દેવાયા, જ્યાં હલન-ચલન પણ મુશ્કેલ હતી. આ સ્થિતિમાં મને હાથ-પગમાં સોજા ચડી ગયા અને ચાઠાં પણ પડ્યાં. અહીં અમને પેટ ભરવા માટે નોનવેજ સિવાય કોઈ વિકલ્પ જ નહોતો. પુરુષોને તો ટોર્ચર કરવામાં કંઈ બાકી રખાતું નહોતું. ભારે ઠંડીમાં તેમને મધરાત્રે ઠંડા પાણીની નહાવાની ફરજ પડાતી, ઉપરાંત ડિટેન્શન સેન્ટરનું એસી 16 ડિગ્રી કરી દેવાતું.
ઝેર પીવા જેવી સ્થિતિ
ગેરકાયદે અમેરિકા ગયેલા અનેક લોકો ગંભીર સ્થિતિમાં ફસાયા છે. કેટલાક લોકોએ રૂ. 70 લાખ પ્રતિવ્યક્તિ, તો કોઈએ પરિવાર સાથે રૂ. 1.50 કરોડ ચૂકવી દીધા છે. અમેરિકા પહોંચ્યાને ગણતરીના દિવસ થયા છે, ત્યાં જ ડિપોર્ટ કરી દેવાતાં ગંભીર સ્થિતિ ઊભી થઈ છે અને ઝેર પીવાની સ્થિતિ આવીને ઊભી છે. કેટલાક લોકોએ દેવું થઈ જતાં અમેરિકા જવાનું નક્કી કર્યું હતું, ત્યારે સમાજના જ આગેવાને રૂ. 1.50 કરોડ ચૂકવવા માટેની બોલી સ્વીકારી હતી એજન્ટને રકમ ચૂકવી પણ દીધી છે.
33માં સૌથી વધુ પટેલ
5 ફેબ્રુઆરીએ અમેરિકન કાર્ગો પ્લેન અમૃતસર પહોંચ્યું તેમાં 33 તો ગુજરાતી જ હતા, તેમાંમાં પણ સૌથી વધુ પટેલ છે. જેમાં ઉત્તર ગુજરાતના 28, મધ્યના 4 અને દક્ષિણ ગુજરાતની 1 વ્યક્તિનો સમાવેશ થાય છે. આ લોકોમાં 8 સગીરનો પણ સમાવેશ થાય છે.
ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતી
1. જયવીરસિંહ વિહોલ વિજાપુર મહેસાણા
2. હિરલબહેન વિહોલ વડસ્મા મહેસાણા
3. સતવંતસિંહ વાલાજી રાજપૂત સિદ્ધપુર પાટણ
4. કેતુલકુમાર હસમુખભાઇ દરજી મહેસાણા મહેસાણા
5. પ્રક્ષા જગદીશભાઈ પ્રજાપતિ ગાંધીનગર
6. જિજ્ઞેશકુમાર બલદેવભાઈ ચૌધરી બાપુપુરા ગાંધીનગર
7. રુચી ભરતભાઈ ચૌધરી ઇન્દરપુરા ગાંધીનગર
8. પિન્ટુકુમાર અમૃતલાલ પ્રજાપતિ થલતેજ અમદાવાદ
9. ખુશ્બૂબહેન જયંતીભાઈ પટેલ લુણા વડોદરા
10. સ્મિત કિરીટકુમાર પટેલ માણસા ગાંધીનગર
11. શિવાની પ્રક્ષાગિરિ ગોસ્વામી પેટલાદ આણંદ
12. જીવનજી કચરાજી ગોહિલ બોડ ગાંધીનગર
13. નિકિતાબેન કનુભાઈ પટેલ ડાભલા મહેસાણા
14. એશા ધીરજકુમાર પટેલ અંકલેશ્વર ભરૂચ
15. જયેશભાઈ રમેશભાઈ રામી વિરમગામ અમદાવાદ
16. બીનાબહેન જયેશભાઈ રામી ડીસા બનાસકાંઠા
17. એન્નીબહેન કેતુલકુમાર પટેલ પાટણ પાટણ
18. મંત્રા કેતુલભાઈ પટેલ પાટણ પાટણ
19. કેતુલકુમાર બાબુલાલ પટેલ મણુંદ પાટણ
20. કિરણબહેન કેતુલકુમાર પટેલ વાલમ મહેસાણા
21. માયરા નિકેતકુમાર પટેલ કલોલ અમદાવાદ
22. રિશિતાબહેન નિકેતકુમાર પટેલ નારદીપુર ગાંધીનગર
23. કરણસિંહ નેતુજી ગોહિલ થરાદ-વાવ બનાસકાંઠા
24. મિતલબહેન કરણસિંહ ગોહિલ કલોલ ગાંધીનગર
25. હેવનસિંહ કરનસિંહ ગોહિલ મહેસાણા
26. ધ્રુવગિરિ હાર્દિકગિરિ ગોસ્વામી માણસા માણસા
27. હેમલ હાર્દિકગિરિ ગોસ્વામી ગોઝારિયા મહેસાણા
28. હાર્દિકગિરિ મૂકેશગિરિ ગોસ્વામી ડાભલા મહેસાણા
29. હેમાનીબહેન ગોસ્વામી માણસા ગાંધીનગર
30. એન્જલ જિજ્ઞેશકુમાર ઝાલા માણસા ગાંધીનગર
31. અરુણબહેન જિજ્ઞેશકુમાર ઝાલા મેઉ મહેસાણા
32. માહી જિજ્ઞેશકુમાર ઝાલા માણસા ગાંધીનગર
33. જિજ્ઞેશકુમાર પરબતજી ઝાલા જામલા ગાંધીનગર