તાજેતરમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયાં. છેલ્લા 15 વર્ષથી દિલ્હીમાં સત્તાના સૂત્રો સંભાળી રહેલી આમ આદમી પાર્ટીનો સફાયો થઇ ગયો અને 27 વર્ષ બાદ ભાજપ દેશના રાજધાની વિસ્તારમાં સત્તાના સિંહાસન પર બિરાજવામાં સફળ થયો. 70 બેઠક ધરાવતી દિલ્હી વિધાનસભામાં ભાજપને 48 મતવિસ્તારમાં વિજય હાંસલ થયો જ્યારે આમ આદમી પાર્ટીને ફક્ત 22 બેઠક સાથે સંતોષ માનવો પડ્યો.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામ પર ઝીણવટભરી નજર નાખીએ તો એક રીતે આ ભાજપનો નહીં પરંતુ કોંગ્રેસનો વિજય છે. કોંગ્રેસે દિલ્હીમાં આમ આદમી પાર્ટીને સત્તામાંથી બેદખલ કરવામાં ભાજપ કરતાં પણ વધુ સક્રિય ભુમિકા ભજવી છે. ચૂંટણી પરિણામો સ્પષ્ટ સંકેત આપી રહ્યાં છે કે કોંગ્રેસે ભાજપને બદલે આપને વધુ નુકસાન પહોંચાડ્યું છે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા મતની ટકાવારી (6.34 ટકા)માં પણ વધારો નોંધાયો છે. 2013 સુધી દિલ્હીમાં શાસન કરનારી કોંગ્રેસને સતત ત્રીજી વિધાનભાની ચૂંટણીમાં એકપણ બેઠક પર વિજય તો પ્રાપ્ત થયો નથી પરંતુ 2020ની છેલ્લી ચૂંટણીના 4.26 ટકાની સરખામણીમાં 6.34 ટકા મત પ્રાપ્ત થયા છે. જેના પગલે આમ આદમી પાર્ટીને 24 વિધાનસભા બેઠકનું નુકસાન વેઠવું પડ્યું છે. આ 24 બેઠકોમાં ભાજપને મળેલા વિજય માર્જિન કરતાં વધુ મત કોંગ્રેસે હાંસલ કર્યાં હતાં અને તેના કારણે આમ આદમી પાર્ટીને આ બેઠકો ગુમાવવાનો વારો આવ્યો.
આમ તો નબળી પડી રહેલી કોંગ્રેસના કારણે આમ આદમી પાર્ટી વિવિધ ચૂંટણીઓમાં લાભ ખાટી રહી હતી. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીને લાભને સ્થાને નુકસાન વેઠવું પડ્યું છે. અરવિંદ કેજરીવાલ અને આપના અન્ય સીનિયર નેતાઓની સામે કોંગ્રેસે પણ મજબૂત ઉમેદવારો ઉતાર્યાં જેના પગલે 17 મતવિસ્તારોમાં આમ આદમી પાર્ટીના વિજયની સંભાવનાઓ રોળાઇ ગઇ હતી.
કોંગ્રેસે સંખ્યાબંધ ચૂંટણીમાં નડનારી આમ આદમી પાર્ટીનો એક જ વારમાં ઘડો લાડવો કરી નાખ્યો છે. યુપીએ અને દિલ્હીની કોંગ્રેસ સરકાર સામે પડીને રાજનીતિમાં આવેલા અરવિંદ કેજરીવાલ પહેલેથી કોંગ્રેસની દાઢમાં હતા. એ વાત અલગ છે કે કેજરીવાલ અને કોંગ્રેસે સગવડીયું રાજકારણ પણ કર્યું પરંતુ 2013માં અન્ના હજારેના નેતૃત્વમાં યુપીએ સામે આંદોલન કરીને રાજનીતિમાં આવેલા કેજરીવાલને તક મળે કદ પ્રમાણે વેતરી નાખવાની તકની રાહ કોંગ્રેસ ક્યારની જોઇ રહી હતી અને 2025માં આ તક મળી પણ ગઇ.
ભારતમાં વિપક્ષી શંભુમેળો ક્યારેય કાશીએ પહોંચતો નથી તે તો ભારતનો ચૂંટણી ઇતિહાસ સુપેરે જણાવે જ છે. કટોકટી પછી સત્તામાં આવેલી જનતા પાર્ટીની ખીચડી સરકાર હોય કે કોંગ્રેસ સામે એકજૂથ થઇને સત્તામાં આવેલી વિવિધ ગઠબંધન સરકારો હોય. તેમનું અસ્તિત્વ અલ્પજીવી જ રહ્યું છે. હા, વાજપેયીની એનડીએ સરકાર તેમાં એક અપવાદ ગણી શકાય. 2014 પછી આખું ચિત્ર બદલાયું અને કોંગ્રેસના સ્થાને ભાજપ સર્વશક્તિમાન બનીને ઉભરી આવ્યો. 2014 પછીના સમયગાળામાં કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષી શંભુમેળાએ સંખ્યાબંધ ચૂંટણીઓમાં ભાજપને પછડાટ આપવાના પ્રયાસ કર્યાં પરંતુ સફળતા મળી શકી નથી.
દિલ્હીમાં કોંગ્રેસની વ્યૂહરચનાને જોતાં એમ લાગી રહ્યું છે કે તે પહેલાં હવે ભાજપનો નહીં પરંતુ નાના એકડો ભૂંસી નાખવા માગે છે. દિલ્હીમાં તે કામ તે સુપેરે કરી ચૂકી છે. આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ એકલે હાથે ચૂંટણી લડવાનો ઝંડો પકડીને અન્ય રાજ્યોમાં મજબૂત એવા પ્રાદેશિક પક્ષોનું નિકંદન કાઢવા એડી ચોટીનું જોર લગાવશે એ વાતમાં કોઇ શંકા જણાતી નથી.