પાવાગઢઃ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢમાં રોપ-વે સેવા 1 માર્ચ સુધી બંધ રહેશે. ઉષા બ્રેકો કંપનીએ વાર્ષિક મેઇન્ટેનન્સ માટે 17 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી આ સેવા સ્થગિત કરી છે.
આ સમયગાળા દરમિયાન મહાકાળી માતાજીનાં દર્શન માટે આવનારા યાત્રાળુઓએ રેવાપથ પરનાં પગથિયાં દ્વારા માચીથી મંદિર સુધીની યાત્રા કરવી પડશે. ખાસ કરીને વૃદ્ધો, વડીલો અને નાનાં બાળકો સાથે આવનારા યાત્રાળુઓને તેમના પ્રવાસનું આયોજન બદલવાની સલાહ આપવામાં આવી છે. કંપનીએ આ અંગેની જાણ જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી અને શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટને લેખિતમાં કરી છે. રોપ-વેનું સમારકામ પૂર્ણ થયા બાદ 2 માર્ચથી સેવા ફરી શરૂ કરાશે. જે બાદ ભક્તો ફરીથી સુરક્ષિત રીતે રોપ-વે દ્વારા માતાનાં દર્શન કરી શકશે.