ઢાકાઃ પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ દેશ છોડીને ભાગી ગયા બાદ અરાજકતામાં સપડાયેલા બાંગ્લાદેશમાં છ મહિના પછી પણ શાંતિ સ્થાપિત થઈ શકી નથી. ભારતમાં અજ્ઞાત સ્થળે છુપાયેલાં શેખ હસીનાએ ઓનલાઇન સંબોધન કર્યા પછી બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓએ બંગબંધુ સંગ્રહાલય તોડી પાડ્યા પછી શુક્રવારે શેખ હસીનાના પૈતૃક ઘર પર હુમલો કર્યો હતો અને અવામી લીગના નેતાઓનાં ઘર સળગાવી દીધાં હતાં. બીજી બાજુ દેશ વિરુદ્ધ કાવતરું ઘડવા બદલ બે અભિનેત્રી મેહર અફરોઝ શોન અને સોહાના સબાની ધરપકડ કરાઈ છે.
બાંગ્લાદેશ પોલીસ નિષ્ફળ
બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય ઊથલપાથલ વધી રહી છે. વિવિધ વિસ્તારોમાં લઘુમતીઓ, અવામી લીગના નેતાઓ અને કાર્યકરોના ઘરો પર હુમલા થવાની સતત ઘટના સામે આવી રહી છે. જોકે, આ હુમલા રોકવામાં વચગાળાની યુનુસ સરકાર નિષ્ફળ રહી છે, જેના પગલે સરકારની ટીકા થઈ રહી છે. તાજેતરમાં વચગાળાની યુનુસ સરકારના પ્રેસ સચિવ શફીકુલ કહ્યું હતું કે, જો અવામી લીગના નેતા અને કાર્યકર કાગળની વહેંચણી કરશે તો ધરપકડ કરવામાં આવશે.
અવામી લીગ ભૂગર્ભમાં
5 ઓગસ્ટના આંદોલન બાદ શેખ હસીના દેશ છોડી ભાગી ગયાં હતાં. જેના પગલે અવામી લીગના નેતા અને કાર્યકરો ભૂગર્ભમાં જતા રહ્યા હતા. જાન્યુઆરીના અંતમાં શેખ હસીનાના વર્ચ્યુઅલ નિર્દેશ પર ફરી સક્રિય થયા. બીજી તરફ બીએનપીએ સત્તામાં બેસવું જોઈતું હતું પરંતુ પાર્ટી મૂંઝવણમાં છે. જેના ટોપના બે નેતા દેશમાંથી બહાર છે.
નવો રાજકીય પક્ષ બનાવવાની કોશિશ
રાષ્ટ્રીય નાગરિક સમિતિ આ મહિનાના અંત સુધીમાં એક નવો રાજકીય પક્ષ બનાવવાની જાહેરાત કરી શકે છે. જો કે સંગઠનની યુનિવર્સિટીઓમાં ઘટતી લોકપ્રિયતાના કારણે બીએનપી તેની ટીકા કરી રહ્યું છે. ત્યારે સેનાના સમર્થનની 'કિંગ્સ પાર્ટી' બનાવવાની અટકળો લગાવવામાં આવી રહી છે.
હસીનાના 1300 સમર્થકોની ધરપકડ
બાંગ્લાદેશમાં મોહંમદ યુનુસ સરકારે શેખ હસીનાના સમર્થકોને કચડવાનું કાવતરું ઘડ્યું છે જેને ઓપરેશન ડેવિલ હન્ટ નામ અપાયું છે. આ ઓપરેશન હેઠળ હસીનાના પક્ષ અવામી લીગના કાર્યકરો કે પ્રદર્શનકર્તાઓને કચડવામાં આવી રહ્યા છે અને અંદાજિત 1300 ધરપકડ કરવામાં આવી છે.