ગાંધીનગરઃ ગુજરાતની 33 પૈકી 17 લોકો તો ગાંધીનગરના માણસા અને કલોલ તાલુકાના વતની છે. મોટાભાગની વ્યક્તિઓના પરિચિત અથવા તો સગાં અમેરિકામાં વસવાટ કરી રહ્યાં છે. જેમની પ્રગતિ જોઈને આ લોકોએ પણ અમેરિકા જવાનું પસંદ કર્યું હતું અને તે માટે જમીન-ઘર વેચી તેમજ દેવું કરી એજન્ટ્સને આપેલા રૂ. 75 લાખથી 1 કરોડ માથે પડ્યા છે. જો કે અમેરિકા પહોંચ્યાને એકથી ત્રણ મહિનામાં જ તેમને પરત મોકલી દેવાયા છે. આ તમામ લોકોને મેક્સિકો બોર્ડર પાસે પકડી લેવાયા હતા, જે બાદ તેમને ડિટેન્શન સેન્ટરમાં રખાયા હતા.
મહેસાણાનો ડોલરિયો વિસ્તાર ચર્ચામાં
મહેસાણા જિલ્લામાં ખેરવા, જોરણંગ, મેઉ આસપાસનાં ગામડાંને ડોલરિયો વિસ્તાર કહેવાય છે. આ પંથકમાંથી અનેક લોકો વર્ષોથી અમેરિકા સહિત અન્ય દેશોમાં વસવાટ કરે છે. દરમિયાન અમેરિકા સરકારે કરેલી કાર્યવાહી બાદ ગેરકાયદે ઘૂસણખોરી કરતા પકડાયેલા ભારતીયોને ડિપોર્ટ કરાતાં ડોલરિયો વિસ્તાર ચર્ચાની એરણે આવ્યો છે.