દિલ્હીમાં આપના પરાજય બાદ કોંગ્રેસે પંજાબ આપના ધારાસભ્યો તેમના સંપર્કમાં હોવાનું કહેતાં ચિંતામાં મુકાયેલા કેજરીવાલે પંજાબના ધારાસભ્યો સાથે તાકીદની બેઠક કરી હતી.
• રણવીર અલ્હાહાબાદિયા વિરુદ્ધ એફઆઇઆર દાખલઃ ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં વિવાદાસ્પદ નિવેદન આપનારા યુટ્યૂબર રણવીર અલ્હાબાદિયા સામે એફઆઇઆર દાખલ કરાઈ. આ અંગે મહિલા આયોગ દ્વારા પણ નોંધ લેવાઈ છે.
• ક્રિકેટરની જેમ ઘોંઘાટ નહીં બોલ પર ધ્યાન આપોઃ મોદીઃ ધો. 10-12ની બોર્ડની પરીક્ષા પહેલાં પ્રધાનમંત્રી મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, ક્રિકેટરની જેમ સ્ટેડિયમના ઘોંઘાટ પર નહીં બોલ પર જ ધ્યાન આપો.
• એરફોર્સનું મિરાજ વિમાન ક્રેશઃ વાયુસેનાનું મિરાજ-200 ફાઇટર પ્લેન ગુરુવારે મધ્યપ્રદેશના શિવપુરીના એક ખેતરમાં ક્રેશ થઈ ગયું. ગ્વાલિયરથી ઉડાન બાદ ટેકનિકલ ખામી સર્જાયેલા અકસ્માતમાં બંને પાઇલટનો આબાદ બચાવ થયો છે.
• 86 દેશોની જેલોમાં 10,152 ભારતીય કેદીઓ બંધઃ કેન્દ્રઃ ભારતીય વિદેશ મંત્રાલય મુજબ વિદેશની જેલોમાં અંડર ટ્રાયલ સહિત ભારતીય કેદીઓની સંખ્યા હાલમાં 10,152 છે. સાઉદી અરેબિયાની જેલમાં સૌથી વધુ 2633 ભારતીય કેદીઓ છે, જ્યારે યુએઈની જેલમાં 2518 ભારતીયો છે.
• પાકિસ્તાની સેના બંધારણના દાયરામાં આવેઃ પાક. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને પત્ર લખી રાજકારણમાં સેનાના હસ્તક્ષેપ અને ગેરબંધારણીય પગલાંની આકરી ટીકા કરી. તેમણે સેનાને બંધારણના દાયરામાં ફરવા અને રાજકારણથી દૂર રહેવા કહ્યું છે.
• આસારામની ડોક્યુમેન્ટ્રી બનાવનારને ધમકીઃ આસારામની ડોક્યુમેન્ટ્રી "કલ્ટ ઓફ ફીઅર' દર્શાવનારી ડિસ્કવરી પ્લસ ચેનલની ઓફિસ પર સાધકોએ ઘેરાવ કરતાં કર્મચારીઓ ડર અનુભવી રહ્યા છે અને ઘરમાં કેદ થઈ ગયા છે.
• રશિયા પર વિસ્ફોટક ચશ્માંથી હુમલાનો પ્રયાસ નિષ્ફળઃ રશિયાએ પોતાની સેનાના ડ્રોન ઓપરેટરો પર વિસ્ફોટક ચશ્મા દ્વારા હુમલો કરવાનું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું હતું. આ ચશ્મા ફર્સ્ટ પર્સન વ્યુ (એફપીવી) ટેકનિકના હતા, જેમાં દસથી પંદર ગ્રામ પ્લાસ્ટિકના વિસ્ફોટક છુપાવવામાં આવ્યું હતું.
• ભારત સહિત 14 દેશના મલ્ટિપલ વિઝા પર સાઉદીનો પ્રતિબંધઃ અયોગ્ય હજયાત્રા કરનારાને રોકવા સાઉદી અરબે ભારત સહિત 14 દેશોના નાગરિકોને મલ્ટિપલ વિઝા પર રોક લગાવી છે, એટલે કે હવેથી સાઉદી અરબ દ્વારા માત્ર સિંગલ એન્ટ્રી વિઝા જ આપવામાં આવશે.