અમદાવાદઃ રક્ષામંત્રી રાજનાથસિંહે ગત મહિને 'ભારત રણભૂમિ દર્શન' એપ લોન્ચ કરી હતી. જેના માધ્યમથી દેશના લોકો માટે ઐતિહાસિક યુદ્ધક્ષેત્રોની મુલાકાત સરળ બનશે. રણભૂમિ એપ દ્વારા લોકો આ સ્થળોની માહિતી મેળવી શકશે. હવે આ એપમાં સમાવેશ કરવામાં આવેલાં કુલ 77 શૌર્ય સ્થળોની માહિતી પ્રવાસન મંત્રાલય દ્વારા જાહેર કરાઈ છે, જેમાં ગુજરાતનાં 5 શૌર્ય સ્થળો જેમાં કચ્છ, ભુજ, લખપત, કોટેશ્વર અને સુઈગામનો સમાવેશ કરાયો છે.
પ્રવાસન મંત્રાલય દ્વારા આ અંગે સંસદમાં રક્ષામંત્રાલયે આપેલી વિગત પ્રમાણે જણાવાયું હતું કે, ‘રણભૂમિ’ એપ અને ‘ભારત રણભૂમિ દર્શન’ એપ્લિકેશન દેશના નાગરિકો માટે ઐતિહાસિક મહત્ત્વનાં સ્થળોની માહિતી માટે શરૂ કરવામાં આવી છે. આ સ્થળો ભારતીય સશસ્ર દળોના બલિદાનનું પ્રતીક છે. આ માટે 77 શૌર્ય સ્થળોની રાજ્યવાર વિગતો જાહેર કરાઈ છે, તથા આ સ્થળોએ પ્રવાસીઓની સુરક્ષા માટે પણ પૂરતાં પગલાં ભરવામાં આવશે. હાલ આ સ્થળોએ યુદ્ધ સ્મારકો અને સંગ્રહાલયો જેવી કેટલીક સુવિધા છે, જેમાં હજુપણ વધારો કરાશે.
કચ્છમાં 1965 સરદાર ચોકી અને 1971માં એરપોર્ટની શૌર્યગાથા
1965માં કચ્છના સરદાર ચોકીના યુદ્ધ કે જેમાં ભારતની એક અર્ધલશ્કરી ટુકડી પાકિસ્તાનની આખી લશ્કરી બ્રિગેડ પર ભારી પડી હતી. 1971માં પાકિસ્તાને ભુજ હવાઈમથક પર હુમલો કર્યો હતો. જો કે ભારતીય વાયુદળ અને માધાપરની વીરાંગના મહિલાઓએ યુદ્ધના ધોરણે રન-વેનું સમારકામ કરી બતાવ્યું હતું.