આણંદઃ વિશ્વના વિવિધ દેશોના વિવિધ ક્ષેત્રે પોતાનાં કાર્યો અને સેવાની સુવાસ થકી ગુજરાતનું ગૌરવ વધારનારા ગુજરાતીઓને સન્માનિત કરવાની પહેલ આણંદસ્થિત સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી-સેક્રેટરી અને એનઆરજી સેન્ટર-આણંદના પ્રેસિડેન્ટ ડો. બી.એન. પટેલ દ્વારા કરાઈ છે. જે અંતર્ગત સ્પોર્ટ્સ, આધ્યાત્મિક, મેડિકલ સહિત વિવિધ ક્ષેત્રમાં પોતાનાં કાર્યો, કૌશલ્ય અને સેવા થકી વિશિષ્ટ ઓળખ અને સિદ્ધિ મેળવનારા 10 ગુજરાતીને સ્પેટ એનઆરજી એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
આણંદસ્થિત સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ, ગુજરાત સ્ટેટ નોન રેસિડેન્ટ ગુજરાતી ફાઉન્ડેશન, ગાંધીનગર અને નોન રેસિડેન્ટ સેન્ટર-આણંદના સંયુક્ત ઉપક્રમે એનઆરજી સ્પેટ એવોર્ડ-એનઆરજી મીટનું આયોજન સર્વોદય સેવા ટ્રસ્ટ-વડગામના પ્રેસિડેન્ટ અને સામજિક કાર્યકર્તા સોમાભાઈ મોદીની ઉપસ્થિતિમાં કરાયું હતું. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડો. બી. એન.પટેલ જણાવ્યું કે, ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં 4 સ્થળે એનઆરજી સેન્ટરની શરૂઆત કરાઈ હતી, જેમાં અમદાવાદ, વડોદરા અને રાજકોટ તેમજ આણંદમાં એક શૈક્ષણિક સંસ્થા સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટને એનઆરજી સેન્ટર ફાળવાયું હતું. વર્ષ 2008થી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એનઆરજી સેન્ટર કાર્યરત્ છે, જે ગુજરાત બહાર વસતા ગુજરાતીઓના પ્રશ્નોને વાચા આપવા સાથે તેમની સમસ્યાઓ અને પ્રશ્નોના ઉકેલ લાવવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત નિષ્ણાતોને આમંત્રિત કરીને નોન રેસિડેન્ટ ગુજરાતી એટલે બિનનિવાસી ગુજરાતીઓને સમયાંતરે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. વિદેશમાં સ્થાયી થયેલા ગુજરાતીઓને સ્થાનિકકક્ષાએ માલ-મિલકતના કે અન્ય કોઈ પ્રશ્નો હોય તો વહીવટીતંત્રમાં યોગ્ય જગ્યાએ રજૂઆત કરીને તેનો ઉકેલ લાવવામાં સહયોગ કરે છે. જેના ભાગરૂપે વિશ્વના વિવિધ દેશોમાં પોતાનાં કાર્યો થકી વિશિષ્ટ ઓળખ મેળવનારા ગુજરાતીઓનું સન્માન કરવાની શરૂઆત કરાઈ છે.
એનઆરજી મીટમાં બેંગકોકના સુરેન્દ્રભાઈ પટેલ, તાન્ઝાનિયાના મહેશભાઈ પટેલ, અમેરિકાના વિષ્ણુભાઈ પટેલ, પોર્ટુગલના કાંતિભાઈ દાવડા, હોંગકોંગના સુરેશભાઈ ઘેવરિયા, બાસ્કેટબોલ કોચ ડો. ઉમાકાંતસિંહ, તાઇપેઇના ઉમેશભાઈ પરમાર, નાસામાં રિસર્ચ કરનારાં એકતા શાહ, આઇવીએફ નિષ્ણાત ડો. નયના પટેલને સ્પેટ એનઆરજી એવોર્ડથી સન્માનિત કરાયાં હતાં. આ પ્રસંગે ગુજરાત સ્ટેટ નોન રેસિડેન્ટ ફાઉન્ડેશન ગાંધીનગરના ડિરેક્ટર વી.જી. રોર, સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના જોઈન્ટ સેક્રેટરી મૃદુલાબહેન પટેલ, ઘનશ્યામભાઈ શાહ, અન્વેષ પટેલ સહિત ટ્રસ્ટીઓ, બી.એન. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ સાયન્સના ડિરેક્ટર ડો.અર્પિતા અરોરા, એન.એસ. પટેલ આર્ટ્સ કોલેજનાં પ્રિન્સિપાલ ડો. પ્રતિક્ષાબહેન, સી.પી. પટેલ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. આર.વી.મોદી ઉપસ્થિત રહ્યા હતા.