શ્રોતાઓને જ્ઞાનનો રસથાળ પિરસવા માટે સદાય જાણીતા ગુજરાત સમાચારના સોનેરી સંગત કાર્યક્રમ અને તંત્રી-પ્રકાશક સી.બી. પટેલે સોનેરી સંગતના 45મા અધ્યાયમાં અમેરિકામાં થયેલી ચૂંટણી અને તેના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અંગે ખાસ ચર્ચા કરી.
સી.બી. પટેલે જણાવ્યું કે, અંદાજિત 3 કરોડ ભારતીયો પરદેશમાં વસવાટ કરે છે, જે મુજબ અમેરિકામાં આશરે 40 લાખ ભારતીયો છે, જેઓ અનેક પ્રકારે ભારત અને અમેરિકામાં અનુદાન આપી આપણને ગૌરવ અપાવે છે. અમેરિકા જે અર્થમાં સ્કોલરશિપ, સાયન્સ, ટેક્નોલોજી, આંત્રપ્રિન્યોરશિપ, ફિલાન્ત્રોપી અને અન્ય પ્રકારે દુનિયામાં પોતાનો પ્રભાવ પાડે છે, જેના પરિણામે અમેરિકાના નવા પ્રમુખ ટ્રમ્પ અંગે આપણે આજે ચર્ચા કરીશું. અમેરિકાને થયેલી નેગેટિવ અસર સમગ્ર વિશ્વમાં વર્તાય છે. આપણા વિચારો ગમે તે હોય પણ અમેરિકાની નીતિ, રીતિ, ગતિ, સ્થિતિ આપણને સ્પર્શે છે.
કાર્યક્રમની રૂપરેખા બાંધ્યા બાદ સી.બી. પટેલે જાણીતા હોટેલિયર નિલેશભાઈ પટેલને પૂછયું કે, તમે 30 વર્ષથી હોટેલ ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત્ છો. આજે તમે આહોઆના કયા સ્થળે કયા હોદ્દા પર છો તે જણાવો.
નિલેશભાઈ પટેલઃ આહોઆમાં 1997થી હું લાઇફ ટાઇમ મેમ્બર તરીકે કાર્યરત્ છું. અમે નવા જનરેશનને સપોર્ટ કરીએ છીએ, જેઓ અમારા કરતાં પણ સારું કામ કરે. અમેરિકન પોલિટિક્સમાં જે આગળ પડતા ભારતીય યુવાનો છે, તેમાં આહોઆએ તરુણ પટેલ જ્યારે ચેરમેન હતા ત્યારથી કરી હતી, જે હતું પેક ફંડ. આખા યુએસમાં જે સેનેટર હોય, કોંગ્રેસમેન હોય, જે ભારતીય ઉદ્યોગોને લગતા પ્રશ્નોમાં સપોર્ટ કરે તેવા લોકોને અમે નાણાકીય સપોર્ટ કરતા હતા. જે મુજબ 3થી 4 મિલિયન ડોલર વિવિધ રાજ્યોમાં ડિસ્ટ્રિબ્યુટ કરતા હતા. આ મુજબ આહોઆએ એક લોબી ઊભી કરી છે અને અદભુત કામ કરે છે, જેને અમે સપોર્ટ કરીએ છીએ.
અમેરિકા ફર્સ્ટની નીતિ પર ચાલતા ડોનાલ્ડ ટ્રમ્પને ભારત માટે બહુ માન છે. તેમણે આવ્યા બાદ વાયદા મુજબ જે ધડાધડ કામ શરૂ કર્યાં છે. તે પહેલેથી માને છે કે અમેરિકન ઇકોનોમીમાં મદદ કરનારા સ્કિલ્ડ લોકો ભલે ગમે તેટલા ભારત મોકલે, પરંતુ ગેરકાયદે રહેનારા લોકો આ દેશમાં ન જોઈએ. ટ્રમ્પને ભારતીય સિનિયર સિટીઝન માટે પણ ખૂબ પ્રેમ છે.
હું વર્ષ 2000માં એટલાન્ટિક સિટીમાં ડોનાલ્ડ ટ્રમ્પને રૂબરૂ મળ્યો હતો. એ સમયે તેમણે મને કહ્યું હતું કે, તમે કોઈપણ હોટેલનો ધંધો કરો અને સફળ ન થાઓ તો તમારી જાતને બ્લેઇમ ન કરો. તમે બેન્કને કહેજો કે વ્હાય ધ હેલ યુ ગિવ મી ધ મની. તે એટર્ની નથી તે બિઝનેસ મેન છે એટલે તેને ખબર છે કે ક્યાંથી પેન્સિલને શાર્પ કરવાની અને કેટલી કરવાની.
હાલના તબક્કે અમેરિકા જે કોઈ દેશોમાં આર્થિક સંકટ અને ડિઝાસ્ટરની સ્થિતિમાં યોગદાન આપતું હતું તે બંધ કર્યું છે. હવે પછી અમેરિકા મૂલ્યાંકન કરશે કે કયો દેશ તેની સાથે ખભે ખભો મેળવીને કામ કરે છે અને તે પ્રમાણે આર્થિક સહાય શરૂ કરશે. પોતાની નીતિ હેઠળ ટ્રમ્પે ગત અઠવાડિયે 13 મિલિયન ફેડરલ એમ્પ્લોઈને ઓવર સ્પેન્ડિંગ અને ઓવર સ્ટાફના કારણે 6 ફેબ્રુઆરી સુધી રાજીનામું આપી દેવાની ડેડલાઇન આપી છે. આ કામ બસ એમ જ નથી કરવામાં આવી રહ્યું, જો બાઇડનના શાસનકાળમાં મળેલા 4 વર્ષના સમયમાં તેણે ડેટા એકત્ર કરીને આ જ કામ કર્યું છે. તે માને છે કે મેક્સિકો બોર્ડર આપણે સીલ કરવી જોઈએ, કારણ કે ત્યાંથી જ સૌથી વધુ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ દાખલ થાય છે.
આ સાથે અમેરિકન સરકાર તેનું પણ ધ્યાન રાખે છે કે, ખરેખર હકદાર એવા સિનિયર સિટીઝનની સોશિયલ સિક્યોરિટી અને તેમને મળતા લાભને કોઈ ઇફેક્ટ ન થાય. વોશિંગ્ટન ડીસીમાં કોઈ તટસ્થ માણસ જોઈએ, તેમાં અત્યાર સુધીના પ્રેસિડેન્ટમાં રોનાલ્ડ વિલ્સન રેગન, જુનિયર અને સિનિયર બુશ અને હવે ડોનાલ્ડ ટ્રમ્પ. આ લોકો કોમન મેન માટે વિચારે છે, માત્ર ધનિકો માટે નહીં. હા, આ ધનિકોની તેમને જરૂર હોવાથી તેમને સાથે લઈને ચાલે છે.
ટ્રમ્પ હોટેલિયર હોવાના કારણે જાણે છે કે આ દેશમાં 70 ટકા હોટેલ્સ ઇન્ડિયન્સની માલિકીની છે, જે દર મહિને એક બિલિયન ડોલર કરતાં પણ વધારે ટેક્સ રેવન્યુ વોશિંગ્ટન ડીસીને આપે છે. ટ્રમ્પને પણ ખબર છે કે હોટેલ, મોટેલ અને પટેલ દેશને મોટી આવક કરાવે છે.
નિલેશભાઈ આપે એક અનુભવી ઇન્વેસ્ટર તરીકે, અમેરિકાના નાગરિક તરીકે અને ભારતવંશી તરીકે જે સ્પષ્ટતાથી વાત કરી તે બદલ આભારી છું. હું ઇચ્છું કે મેક અમેરિકા ગ્રેટ અગેઇન.
હવે આપણે હવે વાત કરીએ ઉત્તર ગુજરાતના પાલનપુરના વતની રાજેન્દ્રભાઈ જાની સાથે. વકીલ એવા રાજેન્દ્રભાઈ લેખક અને વિચારક છે. રાજેન્દ્રભાઈ તમારી દૃષ્ટિએ અમેરિકન પ્રેસિડેન્ટ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા છે તે અંગે કંઈ જણાવો.
રાજેન્દ્રભાઈ જાનીઃ અમેરિકન પ્રેસિડેન્ટ તરીકે જ્યારે ટ્રમ્પ પ્રથમ વખત ચુંટાયા ત્યારે ભારતના પ્રધાનમંત્રી મોદી સાથે ટ્રમ્પની મિત્રતા ખૂબ ગાઢ હતી. ટ્રમ્પની ભારત અને ભારતીયો પ્રત્યેની લાગણી તો જગજાહેર જ છે. ટ્રમ્પનો ઇરાદો બીજી વખતની પ્રમુખપદની ચૂંટણીમાં મોદી દ્વારા ભારતવંશી અમેરિકન નાગરિકોના મત અંકે કરવાની હોય તેવી આશંકા તેમના હાલના વલણ પરથી સ્પષ્ટ થાય છે. મોદીના અબકી બાર ટ્રમ્પ સરકારના નારા બાદ પણ પ્રમુખપદની ચૂંટણીમાં જે-તે વખતે ટ્રમ્પની હાર થઈ હતી. આ ચૂંટણીમાં જીતેલા જો બાઇડેને ઉદ્યોગપતિ સાઇરસ અને તેમના ભારતના મળતિયાઓ દ્વારા 2024ની ચૂંટણીમાં મોદીને હરાવવા તનતોડ પ્રયાસ કર્યા. પરિણામે મોદી ભારતના પ્રધાનમંત્રી તો બન્યા, પરંતુ બહુમતીમાં ભારે ઘટાડો થયો તે હકીકત પણ ધ્યાને લેવી જોઈએ.
હાલમાં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી આવી ત્યારે પણ ટ્રમ્પને સ્વાભાવિક રીતે તેવી ગણતરી હોય કે તેમના મિત્ર મોદીનો અગાઉની જેમ જ સાથ મળશે, પરંતુ મોદી અમેરિકાની ચૂંટણીમાં આવેલા વિપરીત પરિણામોથી વાકેફ હતા જ. ઉપરાંત મોદી માટે બીજું ધર્મસંકટ એ હતું કે ટ્રમ્પની સામે ઉમેદવાર કમલા હેરિસ ભારતમૂળનાં હતાં. કો હેરિસ સામે મોદી ટ્રમ્પને ટેકો આપે તો ભારતીય મૂળનાં ઉમેદવારનો વિરોધ કરવા બદલ ભારતમાં મોદી સામે મોટો વિવાદ સર્જાવાની શક્યતા હતી. જો કમલા હેરિસ પ્રમુખપદે ચૂંટાઈ આવે તો ભારતને બીજી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. આ જ કારણે મોદીએ આ વખતની અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પનો પ્રચાર કરવાનું અને અમેરિકાના પ્રવાસ દરમિયાન તેમને મળવાનું પણ ટાળ્યું હતું.
ટ્રમ્પની દૃષ્ટિએ અમેરિકાના સૌથી મોટા દુશ્મન ચીન સામે ભારતનો સહકાર ખૂબ જરૂરી છે, આ જ પ્રકારે ભારતને પણ ચીન સામે અમેરિકાની એટલી જ જરૂર છે. અમેરિકા દ્વારા ચીન સામે રચવામાં આવેલા ક્વાડમાં ચીન સામેની મૂળભૂત દુશ્મનાવટથી ભારતનું મહત્ત્વ વધી જાય છે. બીજી બાજુ રશિયા-યુક્રેન યુદ્ધને અટકાવવા અને તેના દ્વારા સંભવિત રીતે ટ્રમ્પને નોબેલ પારિતોષિક મળે એવી ઇચ્છાને પરિપૂર્ણ કરવા અને પુતિન અને ટ્રમ્પની મધ્યસ્થતા કરવા મોદી સિવાયનો કોઈ વિકલ્પ જ નથી.
અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયો અમેરિકા માટે સમસ્યારૂપ છે, તો સામેપક્ષે ભારતવંશીઓનો અમેરિકાના વિકાસમાં સિંહફાળો અમેરિકા અવગણી શકે તેમ નથી.
ભારત-અમેરિકા સંબંધ કેવા હશે, વૈશ્વિક રાજકારણમાં ભારતનું કેટલું મહત્ત્વનું કેવું સ્થાન હશે, તેમજ અમેરિકા અભ્યાસઅર્થે જતા ભારતીય વિદ્યાર્થીઓ સાથેનું અમેરિકાનું વલણ કેવું હશે તે અમેરિકી પ્રમુખ ટ્રમ્પ સાથેની મોદીજીની આગામી મુલાકાત અને તેમની કૂટનીતિ પર આધારિત રહેશે.
સમાપન પ્રસંગે સી.બી. પટેલે જણાવ્યું કે, આજના કાર્યક્રમને જે રીતે ફ્લોરિડાથી નિલેશભાઈ અને લંડનથી રાજેન્દ્રભાઈ જાનીએ આપણને એક નવા પ્રકારની દૃષ્ટિ આપી એ બદલ તેમનો આભાર. વસંત આવી રહી છે. જીવનમાં વસંત એક માનસ છે. આપણામાં આશાવાદ હોય, શ્રદ્ધા હોય, મૂલ્યો હોય, પરિવાર પ્રેમ હોય, આગળ વધવાની તમન્ના હોય તો ચોક્કસ વસંતનાં વધામણાં છે સૌને. કાર્યક્રમમાં હાજર સૌકોઈ શ્રોતાઓને મારા નમસ્કાર.