રાજકોટઃ ચોટીલા હાઇવે પર હીરાસરમાં આવેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રૂ. 326 કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન નવા ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવ્યું, જે નિમિત્તે મુસાફરોનું સ્વાગત ગરબા અને ભાંગડા સાથે કરવામાં આવ્યું હતું. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં 23 હજાર ચોરસ મીટર વિસ્તારમાં અદ્યતન ટર્મિનલ નિર્માણ પામ્યું છે. આ ઈન્ટરનેશનલ એરપોર્ટને કસ્ટમ વિભાગની મંજૂરી મળી ગઈ છે, જેથી રાજકોટમાં ટૂંક સમયમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ શકે.
મહત્ત્વનું છે કે, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાલ 10થી વધુ ડોમેસ્ટિક ફ્લાઇટ ઉડાન ભરે છે. હંગામી ટર્મિનલ શરૂ થયાના પોણા બે વર્ષ બાદ પણ હજુ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ નથી. જો કે લોકસભા સાંસદ પરષોત્તમ રૂપાલાએ આ અંગે જણાવ્યું હતું કે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને નાણામંત્રીએ સૈદ્ધાંતિક રીતે કસ્ટમ ક્લિયરન્સ આપી દીધું છે, જેની ટૂંકમાં જાહેરાત થશે.
રાજકોટ એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહે જણાવ્યું હતું કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ દ્વારા એરપોર્ટ ખાતે ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ થતાં ગુડ્સ લોડિંગ-અનલોડિંગ માટે મંજૂરી અપાઈ છે, જેના લીધે આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઇટ ઓપરેટ કરી શકવાના માર્ગ ખૂલ્યા છે.