“ ज्योत से ज्योत जगाते चलो,
प्रेम की गंगा बहाते चलो
राह में आए जो दीन दुखी,
सबको गले से लगाते चलो ..”
‘સંત જ્ઞાનેશ્વર’ ફિલ્મના આ ગીત વિશે મને ઘણી પાછળથી જાણ થઈ પરંતુ, તેના પડઘા મારી અંદર ઊંડે સુધી પડતા રહે છે. ખાસ કરીને એવા સમયે જ્યારે મને લોકો ઘણી વાર પ્રશ્નો પૂછતા રહે છેઃ તમારું બેકગ્રાઉન્ડ અનોખું છે, તમે મીડિયાક્ષેત્રમાં કેવી રીતે પ્રવેશ્યા? આટલી ઉંમરે પણ તમે સખત મહેનત શા માટે કરો છો? તમે નિવૃત્ત કેમ થઈ જતા નથી?’ આ બધા વિચારવા જેવા પ્રશ્નો છે અને તે પૂછાતા રહે છે તેનાથી મને આશ્ચર્ય થતું નથી. ગુજરાત સમાચારમાં મારી કટાર ‘જીવન પંથ’માં એક લેખમાં મેં મારો દૃષ્ટિકોણ વાચકો સમક્ષ મૂક્યો છે અને મારા ઘણા મિત્રો પણ તેના વિશે જાણે છે.
મીડિયાક્ષેત્રમાં મારી યાત્રા કે પ્રવેશ માત્ર અકસ્માત ન હતો કે તેનું ચોકસાઈપૂર્વક આયોજન કરાયું ન હતું. આ તો એક બાબત બીજી બાબત તરફ દોરી જાય તેવું જ હતું. હું જ્યારે નાનો હતો ત્યારે મારા પિતાશ્રીએ ગુજરાતી દૈનિક વર્તમાનપત્રનું લવાજમ ભરેલું હતું અને માત્ર ચાર વર્ષની વયે પણ તેના પાના ફેરવતા રહેવામાં મને આનંદ આવતો હતો.
‘બાળ જીવન’ અને ‘બાળ મિત્ર’ જેવાં બાળકો માટેનાં સામયિકો પણ હતાં જેના થકી હું વાંચનનો આનંદ લેવા પ્રેરાયો હતો. મને બરાબર ખ્યાલ આવી ગયો હતો કે વાંચન માત્ર આનંદ આપતું નથી તેના મારફત સારું જ્ઞાન પણ મળે છે. 1949માં હું જ્યારે 12 વર્ષનો હતો ત્યારે મારા પેરન્ટસ લેતા હતા તે દૈનિક વર્તમાનપત્ર ‘સંદેશ’ દ્વારા તેના દિવાળી વિશેષાંક ‘આરોગ્ય -- તનનું, મનનું, ધનનું’ પ્રકાશિત કરાયો હતો. તેમાં આંખને ગમી જાય તેવા મનોહર વિઝ્યુઅલ્સ- ચિત્રો પણ હતા. મને ભારે નવાઈ લાગી હતી અને વિચારો આવ્યાઃ હે ભગવાન! આમાં તો કેટલું બધું શીખવાનું છે, આનંદ લેવાનું છે અને બધાને કહેવા-જણાવવા જેવું છે! હું આરોગ્ય અને માનવ શરીર વિશે જે શીખ્યો હોઉં તેની ચર્ચા આતુરતાપૂર્વક મારા શાળાના મિત્રો અને પાડોશીઓ સાથે કરતો હતો. આના થકી જ્ઞાન અને તેને વહેંચવા વિશે મારા આજીવન પ્રેમની ચિનગારી લાગી હતી. જીવન આગળ વધતું ગયું તેમ ન્યૂઝપેપર્સ, સામયિકો અને પુસ્તકોનું વાંચન મારા દૈનિક રુટિનનો અભિન્ન હિસ્સો બની રહ્યું છે તેમજ ઘણાં અર્થમાં પોષણનો સ્ત્રોત બનેલ છે.
2023માં પ્રકાશિત અમારી સ્પેશિયલ બૂક ‘આઈઝ ઓફ ટુમોરો’ના એક લેખમાં મેં મારા સંન્યાસી પિતા પાસેથી આ જોશની પ્રેરણા મળી હતી તેના વિશે જણાવ્યું છે. તેમણે મને યાદ અપાવી હતી કે નાણાનું મહત્ત્વ અવશ્ય છે પરંતુ, તે સર્વસ્વ નથી. તેમણે મને કશું અર્થપૂર્ણ પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરતા કહ્યું હતું કે,‘ જો તમે કોઈ તફાવત સર્જવા ઈચ્છતા હો તો અક્ષર જ્ઞાન (શબ્દોના જ્ઞાન) મારફત કરો. લેખિત શબ્દો થકી જ્ઞાનનો પ્રસાર કરો.’ તેઓ નિશ્ચિતપણે માનતા હતા કે શબ્દોનું વિશેષ મહત્ત્વ હોય છે અને તેમાં શક્તિ રહેલી છે. આ શક્તિની સાથે જ જવાબદારી આવે છે જે તેમણે મને વારસામાં આપી છે.
અમે ગુજરાત સમાચાર હસ્તગત કર્યું તે પહેલાં મારી સામે ચિંતન-મનનનો પડકારજનક સમયગાળો આવ્યો હતો. મારે પ્રિન્ટ મીડિયામાં શા માટે, કેવી રીતે અને ક્યારે આગળ વધવું જોઈએ તેની સ્પષ્ટતા મેળવવા માટે મેં સરેમાં કિમ્બર્લીની થીઓસોફિકલ લોજ ખાતે ત્રણ દિવસના એકાંતવાસમાં (ચિંતન અર્થે) હાજરી આપી હતી. આના પછી, 1977માં રીડિંગમાં થોમ્સન ફાઉન્ડેશનમાં એક સપ્તાહની ટ્રેનિંગમાં જોડાયો હતો. આ અનુભવે મને લોર્ડ થોમ્સનના વારસાનો પરિચય કરાવ્યો હતો. જે કોઈને પણ તેમના વિશે જાણવામાં રસ હોય તેમણે લોર્ડ થોમ્સન ઓફ ફ્લીટના પુસ્તક ‘આફ્ટર આઈ વોઝ સિક્સટી’ વાંચવું જોઈએ તેવી મારી ભલામણ છે. આ પુસ્તક તેમના જીવન અને ફીલોસોફી વિશે ઊંડી સમજ પૂરી પાડે છે.
અક્ષર જ્ઞાન તમારા વાચકો અને તમારી કોમ્યુનિટીની પડખે ઉભા રહેવાના સિદ્ધાંતનું પ્રતિનિધિત્વ કરે છે. આ માન્યતાને 7 બરી પ્લેસસ્થિત ISKCON-ઈસ્કોન મંદિર ખાતે શ્રીલ પ્રભુપાદ સાથે બે ટુંકી છતાં ઊંડાણભરી મુલાકાત દરમિયાન ભારે બળ સાંપડ્યું હતું. અમારી વાતચીત ટુંકી હતી પરંતુ, તેમના શબ્દોએ અમીટ અસર ઉપજાવી હતી. આ એવા માનવી હતા જેઓ આરોગ્ય સામે પડકારો અને અન્ય અવરોધો હોવાં છતાં, ખરેખર ગણનાપાત્ર અને પરિવર્તનકારી સર્જન કરી રહ્યા હતા. અમારી વાતચીતમાંથી પ્રેરણા મેળવી મેં તેમણે મને જાતે આપેલી ‘ભગવદ્ ગીતા એઝ ઈટ ઈઝ’ની નકલ વાંચવાનું શરૂ કર્યું. આ વાંચન એક ચમત્કાર સમાન હતું, તેણે મને શીખવ્યું કે દરેક કર્મ, ભલે તે કર્મચારી, જીવનસાથી, અથવા રાજકારણીના સ્વરૂપમાં હોય તે સેવાનો જ પ્રકાર છે. આ સમજણે મારા દૃષ્ટિકોણને અગમ્યપણે આકાર આપ્યો અને મેં, મારા વાચકો અને મારી કોમ્યુનિટીની સેવાને મારા જીવનનો મુદ્રાલેખ બનાવી દીધો.
અમે જ્યારે ગુજરાત સમાચાર હસ્તગત કર્યું ત્યારે ભારતમાં કટોકટી-ઈમર્જન્સીનો સમય હતો, એવો સમય જ્યારે મૂળભૂત અધિકારો સસ્પેન્ડ કરી દેવાયા હતા, મીડિયા સેન્સરશિપ અમલી બનાવાઈ હતી તેમજ અગ્રણી રાજકીય નેતાઓની ધરપકડો કરાઈ હતી. લોકશાહીના ચોથા સ્તંભ તરીકે મનાતા પ્રેસને આ નિયંત્રણો દરમિયાન ઘણું સહન કરવું પડ્યું હતું. અમારું પ્રથમ અભિયાન ઈન્દિરા ગાંધીની ઈમર્જન્સી વિરુદ્ધ હિંમતભર્યું વલણ અપનાવવાનું હતું, જે મજબૂતપણે કાયદાની સીમાઓની અંદર હતું પરંતુ, તેનો અવાજ, સંદેશાઓ આક્રમકપણે મજબૂત હતા. નિયંત્રણોની અવજ્ઞા કરીને અમે રવિન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિમાંથી પ્રતીકાત્મક કવિતા ‘ જ્યાં મન નિર્ભય હોય અને મસ્તક ઉન્નત રહે (Where the mind is without fear and the head is held high)’ પ્રસિદ્ધ કરી હતી. આ બગાવત-વિદ્રોહના લીધે ઈન્ડિયા હાઉસમાં મારી પ્રવેશબંધી થઈ કારણકે ઈન્દિરા ગાંધીનાં વડપણ હેઠળની ભારત સરકારે આ કવિતાના પ્રકાશન પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ જ તો લેખિત શબ્દોની તાકાત અને લોકશાહી મૂલ્યોની જાળવણી માટે આવશ્યક પ્રત્યાઘાત હતા.
વિદ્રોહ કે બગાવત હંમેશાંથી મીડિયાનો મૂળભૂત હિસ્સો રહ્યો છે અને અભિયાન છેડવું એ તો ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના મિશનમાં કેન્દ્રસ્થાને રહ્યું છે. વર્ષો દરમિયાન, અમે આપણી કોમ્યુનિટીની સેવા કરે તેવા ઉદ્દેશોને સતત સપોર્ટ કરતા રહ્યા છીએ. આરોગ્યના મુદ્દા હોય, રાષ્ટ્રીયતા અથવા ઈમિગ્રેશન કાયદાઓની મુશ્કેલીઓ હલ કરવાની હોય કે સ્થાનિક સરકારો સાથે પડકારોનું નિરાકરણ લાવવાનું હોય અમે કોમ્યુનિટીની પડખે રહ્યા છીએ. મને એ કહેતા ગર્વ થાય છે કે બ્રિટનમાં અમે જ્યારે પણ કોઈ કેમ્પેઈન આદર્યું હોય તેમાં મોટા ભાગે સફળતા જ હાંસલ કરી છે. જોકે, ભારતમાં કેટલાક ચિંતાજનક મુદ્દાઓ પરના અભિયાનો વિશે હું આમ કહી શકતો નથી. ઉદાહરણ આપું તો, યુકે અને અમદાવાદ વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ માટે અમારું અભિયાન સફળ રહ્યું હતું જેના માટે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સમર્થનનો આભાર માનીએ એટલો ઓછો છે. પરંતુ, પ્રોપર્ટી ફ્રોડનું નિરાકરણ, હાઈજેક કરી લેવાયેલી સંપત્તિઓ અથવા NRIsને અસર કરતા જમીનના વિવાદો જેવા અન્ય પ્રયાસોને પરિણામ મળ્યું નહિ. વિસ્તૃત મેમોરેન્ડમ તૈયાર કરવા છતાં, આ મુદ્દાઓનો ઉકેલ આવ્યો નથી.
યુકેમાં સફળતા હાંસલ કરી શકાય છે જેના માટે રાજકારણીઓને યાદ અપાવવાની રહે અને જનમતને ગતિશીલ બનાવવાનો રહે છે. 1994ના હરે કૃષ્ણ મંદિર કેમ્પેઈનનું ઉદાહરણ લઈએ. તેને માત્ર હિન્દુઓનું જ નહિ, જૈન, શીખ અને કેટલાક મુસ્લિમોનું પણ સમર્થન મળ્યું હતું, ઘણા ક્રિશ્ચિયન અને જ્યુઈશ કોમ્યુનિટીના સભ્યો પણ કેમ્પેઈનમાં સામેલ થયા હતા. તેમના સામૂહિક સપોર્ટના પરિણામે, એકતા અને દૃઢાગ્રહની તાકાત દર્શાવતા આ કેમ્પેઈને મે 1996માં તેનું લક્ષ્ય સાધ્યુ હતું.
અમે જ્યારે પણ કોઈ અભિયાન કે ઉદ્દેશ માટે સારી રીતે વિચારાયેલો પ્રસ્તાવ રજૂ કર્યો છે ત્યારે અમને અભૂતપૂર્વ સપોર્ટ સાંપડ્યો છે. મારા વાંચકો, કોમ્યુનિટી સંસ્થાકીય નેતાઓ અને કેટલાક પરોપકારીઓના પીઠબળ વિના અમારી કોઈ પણ સિદ્ધિઓ શક્ય બની ન હોત. જોકે, અમે આપણી કોમ્યુનિટીની યોગ્ય અને સારી સેવા કરી છે તેનો નિર્ણય કે નિષ્કર્ષ હું આપી શકું નહિ, આનો નિર્ણય તો અન્યોએ જ આપવાનો રહે. હું વિશ્વાસપૂર્વક એટલું કહી શકું કે મેં હંમેશાં જાહેર ક્ષેત્રમાં પણ મારી જાત કરતાં સેવાને પ્રથમ સ્થાન આપવા મારા શ્રેષ્ઠ પ્રયાસ કર્યા છે. હું સંપૂર્ણ નથી, અને મારી એક કટારમાં મેં ખુલ્લા દિલે સ્વીકાર્યું છે કે મારી આત્મકથા લખવા જેટલી પ્રામાણિકતા અથવા હિંમત મારામાં નથી. આ કહેવા સાથે હું ખાતરી આપું છું કે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ (અગાઉનું ન્યૂ લાઈફ) તેમજ અમારા અન્ય વિશેષ મેગેઝિન્સના વિષયોના પાયામાં સત્ય રહેલું છે અને અમારી શ્રેષ્ઠ ક્ષમતા સાથે કોમ્યુનિટીની સેવા કરવાનો અભિગમ અને ઈરાદો રહેલાં છે.
(ક્રમશઃ)