નવી દિલ્હીઃ ભારતમાં આ વર્ષે ઊજવવામાં આવનારા પ્રજાસત્તાક દિવસ સમારોહમાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રભોવો સુબિયાંટો મુખ્ય મહેમાન તરીકે સામેલ થશે. શનિવારે આ મામલે જાણકાર લોકોએ આ માહિતી આપી હતી. સુબિયાંટો પોતાની ભારત યાત્રા બાદ પાકિસ્તાન નહીં જાય. આ અગાઉ તેમની યોજના ભારતમાંથી પાકિસ્તાન જવાની હતી. જ્યારે ભારતે આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ પોતાની પાકિસ્તાનની યાત્રાને ટાળી દીધી હતી. ભારતે હજું સુધી આ વર્ષના પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિના નામની જાહેરાત કરી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૂબિયાંટોની ભારત યાત્રા દરમિયાન તેમની સાથે વ્યાપક મુદ્દા પર વાતચીત કરશે. નોંધનીય છે કે ભારત દર વર્ષે પ્રજાસત્તાક સમારોહમાં વિશ્વભરના નેતાઓને આમંત્રિત કરે છે. પાછલા વર્ષે ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઈમેનુએલ મેક્રોં મુખ્ય અતિથિ બન્યા હતાં. આ ઉપરાંત 2023માં ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ સીસી સામેલ થયાં હતાં. કોવિડના કારણે 2021 અને 2022માં પ્રજાસત્તાક દિવસ પર કોઈ મુખ્ય અતિથિ ન હતાં. 2020માં બાઝિલના પ્રેસિડેન્ટ ઝાયર બોલ્સોનારો ભારતના અતિથિ બન્યા હતાં.