અમદાવાદઃ ઉત્તરાયણના તહેવારની સમગ્ર રાજ્યમાં ધામધૂમથી ઉજવણી કરાઈ. સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા માટે સારો પવન હોવાથી પતંગરસિકોને મોજ પડી હતી. આ સિવાય લોકોએ મોટા પ્રમાણમાં દાન-ધર્મ પણ કર્યું હતું.
ઉત્તરાયણમાં અમદાવાદના નવા અને જૂના શહેરમાં પતંગરસિયાઓ વહેલી સવારથી ધાબા પર ચડી ગયા હતા. ઉત્તરાયણની મજા માણવા વિદેશી પતંગબાજો મોટી સંખ્યામાં કાઇટ ફેસ્ટિવલમાં પહોંચ્યા છે, જેમના અવનવા પતંગ નિહાળવા લોકો સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા હતા. તો વડોદરામાં પણ સ્થાનિકોની સાથે મોટી સંખ્યામાં આવેલા એનઆરઆઇ લોકોએ ઉત્તરાયણ ઊજવી હતી.
ઉત્તરાયણના પર્વ પહેલા ગણતરીના દિવસો પહેલાં અનેક લોકો પતંગ અને દોરીની ખરીદી કરી હતી, તેવા સમયે હાઇકોર્ટે કાચવાળી દોરી પર પ્રતિબંધ મૂકતાં વેપારીઓ અવઢવમાં હતા. જો કે લોકોએ તો મનભરીને જ ઉજવણી કરી હતી.