ઓબીસી નેતાને ભાજપ પ્રદેશ પ્રમુખની કમાન સોંપાઈ શકે

Thursday 16th January 2025 05:21 EST
 
 

અમદાવાદઃ ઉત્તરાયણ બાદ ભાજપ હાઈકમાન્ડ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરી શકે છે. તે જોતાં અત્યારથી નવા સુકાનીની શોધખોળ શરૂ થઈ ચૂકી છે. એવી ચર્ચા છે કે ઓબીસી નેતા પર ભાજપ પ્રદેશ પ્રમુખપદની પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે.
ઉત્તરાયણ પછી તરત જ ભાજપ શહેર જિલ્લા પ્રમુખના નામની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. પ્રદેશ પ્રમુખની નિમણૂક માટે કેન્દ્રીય નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવ 16 જાન્યુઆરીએ ગાંધીનગર આવે તેવી ચર્ચા પણ છે.
સૂત્રો કહે છે કે, હાલમાં પાટીદાર મુખ્યમંત્રી હોવાથી સામાજિક સમીકરણને જોતાં ઓબીસી નેતાને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તેવી શક્યતા વધી ગઈ છે. પ્રદેશ પ્રમુખ તરીકે પૂર્ણેશ મોદી, ઉદય કાનગડ, અર્જુનસિંહ ચૌહાણ, જગદીશ પંચાલ અને અમિત ઠાકરનાં નામ ચર્ચામાં છે.
આ વખતે સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતમાંથી ઓબીસી નેતાની પ્રમુખપદ માટે પસંદગી થવાની શક્યતા છે. જો કે ભાજપમાં શું થશે તે રાજકીય પંડિતો પણ ભાંખી શકે તેમ નથી, તે જોતાં હવે સૌની નજર ગાંધીનગર તરફ મંડાઈ છે.
સી.આર. પાટીલની વિદાય બાદ ગુજરાત ભાજપના સુકાનીપદે કોને બેસાડાય તે મુદ્દે રાજકીય અટકળોની બજાર ગરમ છે. સરકાર અને સંગઠનમાં તાલમેલ જાળવી શકે તેવા નેતાને પ્રદેશપ્રમુખની જવાબદારી આપવા હાઈકમાન્ડે મન બનાવ્યું છે.


comments powered by Disqus