અમદાવાદઃ ઓસ્ટ્રેલિયામાં બાળકોને સોશિયલ મીડિયા વાપરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ પ્રાથમિક શાળાનાં બાળકો મોબાઇલ લઈને સ્કૂલમાં જઈ શકશે નહીં અને શિક્ષકો પણ વર્ગખંડમાં મોબાઇલ વાપરી શકે નહીં તેવા અગાઉ કરાયેલા પરિપત્રનું કડક પાલન કરવાની રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ તાકીદ કરી છે.
ઉપરાંત બાળકો સોશિયલ મીડિયાના એડિક્ટેડ ન થઈ જાય તેટલા માટે સોશિયલ મીડિયાના ઉપયોગ માટે પણ એક ગાઇડલાઇન લાવીને વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસ કરાશે તેવી મંત્રીએ જાહેરાત કરી હતી. શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણમંત્રી પાનસેરિયાની હાજરીમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ, ટેકનિકલ શિક્ષણ વિભાગ, ટીચર્સ અને યુનિવર્સિટીના કુલપતિઓની હાજરીમાં એક બેઠક મળી હતી.
શાળામાં શોર્ટ ફિલ્મથી માહિતી અપાશે
શિક્ષણ વિભાગ દ્વારા એનજીઓ, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક કાર્યકરો અને મીડિયા દ્વારા બાળકો સોશિયલ મીડિયા અને સ્માર્ટ ફોનથી દૂર રહે એ માટે મહાઅભિયાન હાથ ધરવામાં આવશે તેમ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સોશિયલ મીડિયાથી થતા નુકસાન બાબતે જાગૃતિ કેળવવા શાળાઓમાં શોર્ટફિલ્મ દર્શાવવામાં આવશે.