લંડનઃ ડિવોન અને કોર્નવોલમાં મુસ્લિમ કબ્રસ્તાનની યોજના ઉગ્ર વિરોધ બાદ પડતી મૂકાઇ છે. આ યોજના સામે 150 જેટલી વાંધા અરજી પ્રાપ્ત થઇ હતી. ગાર્ડન્સ ઓફ મર્સી ચેરિટી કોર્નવોલના કોલિંગટનમાં આવેલી 10 એકરની જમીન પર મુસ્લિમ કબ્રસ્તાન તૈયાર કરવા ઇચ્છતી હતી.
ચેરિટીના ચેરમેન સલીમ મહાદિકે જણાવ્યું હતું કે, યોજના પાછળનો ઉદ્દેશ ડિવોન અને કોર્નવોલના મુસ્લિમ સમુદાયને અલગ કબ્રસ્તાન ઉપલબ્ધ કરાવવાનો હતો. અમારા વિસ્તારમાં મુસ્લિમ કબ્રસ્તાન ન હોવાના કારણે મુસ્લિમ સમુદાય તેમના મૃતકોને યોગ્ય ધાર્મિક પરંપરા સાથે દફનાવી શકતો નથી. બીજીતરફ દેશના મોટા ભાગના વિસ્તારોમાં મુસ્લિમ કબ્રસ્તાન આવેલાં છે. 2021ની વસતી ગણતરી પ્રમાણે ડિવોન અને કોર્નવોલમાં 0.6 ટકા એટલે કે 9400 મુસ્લિમ વસવાટ કરે છે. નજીકનું મુસ્લિમ કબ્રસ્તાન ગ્લુસેસ્ટરશાયરમાં આવેલું છે.