પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટર દ્વારા રાજ્ય સરકારની આ યોજનાનો વ્યાપ વધારતાં સરહદી જિલ્લા બનાસકાંઠાએ દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ તરીકેનું બહુમાન સુઈગામ તાલુકાના મસાલી ગામને અપાવ્યું છે. કુલ 800ની વસ્તી ધરાવતું મસાલી ગામ પાકિસ્તાન બોર્ડરથી 40 કિલોમીટરના અંતરે આવેલું છે.
જિલ્લા વહીવટી તંત્રના પ્રયત્નોથી આ ગામ સંપૂર્ણ સોલાર આધારિત બન્યું છે. ગામનાં કુલ 119 ઘર પર સોલાર રૂફટોપ લગાવાયું છે. રેવન્યુ વિભાગ, યુજીવીસીએલ, બેન્ક અને સોલાર કંપનીના સહયોગથી રૂ. 1.16 કરોડનો સંપૂર્ણ પ્રોજેક્ટ સ્થાપિત કરાયો હતો. જેમાં પી.એમ. સૂર્યઘર યોજના અંતર્ગત 59.81 લાખની સબસિડી, રૂ. 20.52 લાખનો લોકફાળો અને રૂ. 35.67 લાખ સી.એસ.આર થકી પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે.
આજે અહીં 119 ઘરમાં 225.5 કિલોવોટ વીજળી પ્રાપ્ત થાય છે, જે દરેક ઘરની જરૂરિયાત કરતાં વધારે છે. રાજ્ય સરકારના બોર્ડર પર આવેલાં ગામોમાં 24 કલાક વીજળી મળી રહે તે હેતુથી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આ માટે કમિટી બનાવાઈ છે. બોર્ડર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સરહદી વાવ તાલુકાનાં 11 અને સુઈગામ તાલુકાનાં 6 કુલ મળીને 17 ગામોને સંપૂર્ણ સોલાર વિલેજ બનાવવા તંત્ર તરફથી પહેલ કરાઈ છે, જે અંતર્ગત મસાલી ગામમાં કામ પૂર્ણ કરાયું છે.