અમદાવાદઃ અમરેલીના બહુચર્ચિત લેટરકાંડમાં સરકારના હાથ કાળા થયા છે, જેના કારણે આખો પાટીદાર સમાજ સરકારથી ખફા છે. આ જોતાં એક મહિલા કર્મચારી સહિત ત્રણ પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા બાદ હવે આ પ્રકરણની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ છે. ભાજપના અંદરોઅંદરના ડખામાં શિક્ષા કરવાની લ્હાયમાં પોલીસ વિભાગ જ નહીં, આખી સરકાર ભેખડે ભરાઇ પડી છે પરિણામે નારાજ પાટીદારોને રાજી કરવા સરકાર મથામણ કરી રહી છે.
અમરેલીના ભાજપ ધારાસભ્ય કૌશિક વેકરિયાને પોલીસ રૂ. 40 લાખનો હપતો ચૂકવે છે તેવા ઘણા આક્ષેપ સાથે એક પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ પ્રકરણમાં પત્ર લખનારાં કોમ્પ્યુટર ઓપરેટર પાયલ ગોટીનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું, જેના રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સૌરાષ્ટ્રભરમાં આ મામલે પાટીદારોએ દેખાવો સાથે વિરોધ દર્શાવ્યો છે. આ ઘટના અંગે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ઉપવાસ કરીને અને આપ દ્વારા દેખાવો કરીને રાજકીય લાભ ખાંટવા પ્રયાસો કર્યાં છે.