ભારતીય બહુ સાંસ્કૃતિકવાદ વિષયક લોર્ડ પારેખનું વડોદરામાં મનનીય વક્તવ્ય

- જ્યોત્સ્ના શાહ Wednesday 15th January 2025 05:27 EST
 
 

વડોદરાના સેન્ટર ફોર કોન્ટેમ્પરરી થીયરી ખાતે શુક્રવાર, ૩ જાન્યુઆરી’ ૨૫ના રોજ લોર્ડ ભીખુ પારેખનું વક્તવ્ય ‘સ્પેશીયાલીટી ઓફ ઇન્ડિયન મલ્ટીકલ્ચરાલીઝમ’ વિષય પર યોજવામાં આવ્યું હતું. આ વિષયના અભ્યાસુઓ, વિદ્યાર્થીઓ અને જિજ્ઞાસુઓની ભરચક હાજરી હતી. બહુસાંસ્કૃતિકવાદ અને સાંસ્કૃતિક અનેકવાદ વિષયના ચિંતક લોર્ડ પારેખ વિશ્વ વિખ્યાત વિદ્વાન છે. એમને સાંભળવા, સમજવા અને સંવાદ કરવા કેટલાય ઉત્સુકો માટે અણમોલ અવસર હતો. સદ્નસીબે મને પણ એમના વૈચારિક વક્તવ્યમાં જવાનો મોકો ડો.જયશ્રીબહેન મહેતાની મહેરથી મળ્યો. આ કાર્યક્રમનું સંચાલન સેન્ટર ફોર કોન્ટેમ્પરરી થીયરીના જનરલ સેક્રેટરી અને એમ.એસ. યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટ ઓફ પોલીટીકલ સાયન્સના પ્રોફેસર લાજવંતી પી. ચટાનીએ એમની પ્રભાવી શૈલીમાં કર્યું હતું.
હજારો વર્ષોના ભારતના ઇતિહાસ પર એક નજર કરતાં સ્પષ્ટ થાય છે કે ‘વિવિધતામાં એકતા’નો આદર્શ અનેક અથડામણો, વિખવાદો વિરોધોની વચમાં પણ ટકી રહ્યો છે. હિન્દુ, શીખ, બૌધ્ધ, જૈન, ઇસ્લામ, ખ્રિસ્તી, ઝોરોસ્ટ્રીયન વગેરે ધર્મોના અનુયાયીઓએ ભેગાં મળીને બહુ સાંસ્કૃતિકવાદને વિકસાવ્યો છે. ભારતમાં વિવિધ ધર્મો, વિવિધ ભાષાઓ, વિવિધ લઘુમતિઓના સહ અસ્તિત્વ માટેના પ્રયાસો સતત થતા રહ્યા છે. એના છેલ્લા પ્રણેતા મહાત્મા ગાંધી હતા. કોમી એખલાસની ભાવના માટે આહૂતિ આપી હતી. આજે પણ કોમી વૈમનસ્ય ચાલુ જ છે.
એક તરફ વિવિધ ધાર્મિક, ભાષાકીય અને વાંશિક જૂથો પોતપોતાની અલગ આઇડેન્ટીટી જળવવા આંદોલનો કરે છે. દેશની અખંડિતતાની બાબતમાં અલગ-અલગ જૂથોની માગણીઓ કેવી રીતે ચાલી શકે? દેશ ચલાવવા કાયદો અને વ્યવસ્થા હોવા જ જોઇએ. મલ્ટીકલ્ચરલીઝમ પોલીટીકલ ફિલોસોફી પૂરતું બરાબર છે પણ તેની પ્રેક્ટીસ શક્ય જ નથી. તેનાથી અરાજકતા અને અંધાધૂંધ થવાનો સંભવ છે.
આ વક્તવ્યમાં લોર્ડ પારેખે જણાવ્યું કે, બ્રિટનમાં રંગભેદ પર રચાયેલા વસાહતી કાયદાઓ સામે શાસન પક્ષમાં લેબર પાર્ટી આવે તો હારવાની બીકે એક કમિશન બનાવ્યું : ‘કમિશન ફોર ધ ફ્યુચર ઓફ મલ્ટી એથનિક બ્રિટન’. એ માટે ૧૯૯૮માં કમિશનની સ્થાપના થઇ. જેના પ્રથમ ચેરમેન તરીકે પ્રો.પારેખની વરણી કરાઇ હતી. આ વિષય પર સંશોધન કરી ઇ.સ.૨૦૦૦માં ભીખુભાઇએ પ્રસિધ્ધ કરેલ અહેવાલ પારેખ રીપોર્ટ તરીકે વિશ્વભરમાં વિખ્યાત થયો. આ અહેવાલ બ્રિટનની આંખ ખોલનારો સાબિત થયો. એ અહેવાલથી રંગભેદ પર રચાયેલા બ્રિટને હિંસા અને ભેદભાવો ઘટાડવામાં પ્રગતિ કરી. હજી પણ અમુક અંશે એની હયાતી છે જ!
લોર્ડ પારેખે સૌ નાગરિકો માટે આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક એકતા ઉભી કરીને ‘Pluralistic human right culture’ને વિકસાવવાની વાત કહી. તમામ પ્રકારના નાગરિકોની રાજકીય અને નાગરિક ભાગીદારી પર ભાર મૂક્યો છે. જેમાં ‘ મારો ધર્મ’, ‘તારો ધર્મ’ ની વાત ના ચાલી શકે.
લોર્ડ પારેખના મતે બહુ સાંસ્કૃતિકવાદ એટલે બૃહદ સમાજમાં વિવિધ ધર્મો, જ્ઞાતિઓ, ભાષાઓ, કોમો અને આચાર-વિચારોનું સહઅસ્તિત્વ. જ્યારે કલ્ચરલ પ્લુરાલીઝીમ એટલે લઘુમતિ ભિન્નતાને થોડી નરમ કરીને એકસમાન સાંસ્કૃતિક આઇડેન્ટીટી ધરાવતા બૃહદ સમાજની રાષ્ટ્ર નિર્માણની પ્રવૃત્તિઓ સાથેની ભાગીદારી. જેના પાયામાં નાગરિક તરીકેની ભાવના તેમજ બંધારણ અને દેશ પ્રત્યેની વફાદારી છે.
બહુ સાંસ્કૃતિકવાદ અને સાંસ્કૃતિક અનેકવાદ અંગે લોર્ડ ભીખુભાઇના વીઝનનો સાર “The only way to exist to coexist ’.
તેઓશ્રીના વક્તવ્ય બાદ રસિક પ્રશ્નોત્તરીનો દોર જામ્યો. સમયની માર્યાદાને કારણે એના પર તત્ત્કાળ પૂર્ણવિરામ મુકાયું. જો કે ત્યારબાદ અલ્પાહાર વખતે પણ લોર્ડ પારેખના નમ્ર-હળવા સ્વભાવને કારણે આસપાસ એમને મળવા તેમજ વાર્તાલાપ કરવા ઉત્સુકોની લાઇન લાગી હતી.
લોર્ડ પારેખને ૯૦મી વર્ષગાંઠ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના
૪ જાન્યુઆરીના રોજ નવ દાયકાની લોર્ડ પારેખની અદ્ભૂત જીવન સફર આપણા સૌ માટે પ્રેરણાદાયી છે. ભગવાન એમને સ્વસ્થ દીર્ઘાયુ બક્ષે અને સમાજને એમની પાસેથી વિદ્વત્તાનો લાભ મળતો રહે એવી પ્રાર્થના. નસીબજોગે લોર્ડ પારેખના નિવાસસ્થાને પાંચ જાન્યુઆરીના રોજ ડીનરમાં જવાનું થયું. ત્યારે ગુજરાતી સાહિત્યજગતના ગૌરવવંતા ડો. સિતાંષુ યશચંદ્ર મહેતા પણ સજોડે મળ્યા. તેઓને સાથે ડો. જયશ્રીબહેન મહેતા તો હોય જ! લોર્ડ પારેખનું ધ્યાન તેઓ સ્વજન કરતાં સવાયું રાખે છે. વિદ્વાનો સાથે ગોષ્ટિનો અવસર જીવનનો યાદગાર લ્હાવો લેખાય.
લોર્ડ પારેખનું નામ એક વિશ્વ વિખ્યાત વિચક્ષણ, વિદ્વાન, ચિંતક, લેખક તરીકે દુનિયાભરમાં સન્માનભેર લેવાય છે. યુ.કે.વાસીઓ માટે એ ગૌરવની વાત છે.
પ્રો. પારેખ એમેરીસ્ટ પ્રોફેસર છે. એમણે અધ્યાપન કાર્યમાંથી યુ.કે.ની હલ અને વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટીના પ્રોફેસર તરીકે વ્યવસાયિક નિવૃત્તિ લીધી હોવા છતાં એક સફળ પ્રોફેસર તરીકેની એમની નામના યથાવત્ હોવાથી આ કાયમી ટાઇટલ એમને મળ્યું છે.
તેઓશ્રી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમીક્સના શતવર્ષીય પ્રોફેસર હતા. કેનેડાની મેકગીલ યુનિવર્સિટી, યુ.એસ.ની હાવર્ડ યુનિવર્સિટી અને પેનસીલ્વેનીયા યુનિવર્સિટી, વીએનાની ધ ઇનસ્ટીટ્યુટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીઝ આદીના વીઝીટીંગ પ્રોફેસર તેમજ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરનો હોદ્દો તેમણે શોભાવેલ છે. આપણી ઉમરાવ સભામાં ય ૨૫ વર્ષથી લોર્ડ તરીકે સેવા આપી રહ્યા છે એનાથી આપણે સૌ વિદિત છીએ જ.
તેઓશ્રી ‘એથનોસેન્ટરીક પોલીટીકલ થીયરી: ધ પર્શ્યુટ ઓફ ફ્લોડ યુનિવર્સલ્સ (પલગ્રેવ મેકમિલન ૨૦૧૯), ડીબેટીંગ ઇન્ડિયા (ઓયુપી, ૨૦૧૫), અ ન્યુ પોલીટીક્સ ઓફ આઇડેન્ટીટી (પલગ્રેવ મેકમિલન ૨૦૦૮), રીથીન્કીંગ ઓફ મલ્ટીકલ્ચરલીઝમ (હાવર્ડ યુનિવર્સિટી પ્રેસ, ૨૦૦૦), ગાંધી (સ્ટર્લીંગ, ૧૯૯૭) સહિત પોલીટીકલ ફીલોસોફી અડધો ડઝન જેટલા પુસ્તકોના લેખક છે. પોલીટીકલ ફીલોસોફીમાં સર ઇસાઇહ બર્લિન પ્રાઇઝ ફોર લાઇફ ટાઇમ એચિવમેન્ટ મળ્યું છે.
બી.બી.સી.નો સ્પેશિયલ લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ, ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર તરફથી ડિસ્ટીન્ગવીશ્ડ ગ્લોબલ થીંકર એવોર્ડ અને ભારતના પ્રેસિડેન્ટનો પ્રતિષ્ઠિત એવોર્ડ પદ્મશ્રી મળેલ છે.
પારેખના કાર્યનું ૨૦ ભાષાઓમાં રૂપાંતર થયું છે. બ્રિટિશ એકેડેમી, ધ યુરોપીયન એકેડેમી, પાસ્ટ પ્રેસિડેન્ટ ઓફ ધ એકેડેમી ઓફ સોસીયલ સાયન્સીસ વગેરેના ફેલો છે.
આવી અસાધારણ સિધ્ધિઓ માટે ગુજરાતીઓ, ભારતીયો અને વૈશ્વિક સ્તરે સૌ કોઇ માટે ગૌરવદાયી ઘટના છે. આટલું હાઇ પ્રોફાઇલ હોવા છતાં આપણી સાથે આપણા સ્વજન હોય એવી અનુભૂતિ કરાવે એ એમના સ્વભાવની ખૂબી છે.
આપને ૯૦મા જન્મદિને ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ અને ખાસ કરીને અમારા તંત્રીશ્રી સી.બી. પટેલ વતી અભિનંદનની વરસા વરસાવતા આનંદ ઉપજે છે. તુમ જીયો હજારો સાલ... હેપી બર્થડે ટુ યુ...


comments powered by Disqus