યુવાપેઢીને પારિવારિક જીવન કરતાં કારકિર્દીમાં વધુ રસ

Thursday 16th January 2025 00:55 EST
 

21મી સદીની યુવાપેઢીમાં એક નવો ટ્રેન્ડ પ્રચલિત બની રહ્યો છે. આ પેઢી લગ્ન અને પારિવારિક જીવન શરૂ કરતાં પહેલાં કારકિર્દી અને પોતાના મકાનને વધુ પ્રાધાન્ય આપી રહી છે. આ ટ્રેન્ડથી બ્રિટન અને ખાસ કરીને લંડનમાં વસતી યુવાપેઢી પણ બાકાત નથી.
આજના જમાનામાં યુવાપેઢી માટે કારકિર્દી અત્યંત મહત્વનું પાસુ બની રહ્યું છે. સાથેસાથે કારકિર્દીના શિખરો સર કરવામાં પણ વધુ સમય લાગી રહ્યો છે. અગાઉ મેટ્રિક પાસ કરીને સામાજિક જીવનમાં ઠરીઠામ થવાનું અપનાવતા યુવાનોની સંખ્યા ઘણી મોટી હતી પરંતુ હવે ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને પીએચડી સુધીના શિખરો સર કરવામાં યુવાપેઢીને વધુ રસ છે. નોકરી અને વ્યવસાયમાં વધી ગયેલી સ્પર્ધાત્મકતા પણ આના માટે મુખ્યત્વે જવાબદાર છે. વ્યવસાયમાં સ્થિરતા, પ્રગતિ અને ટકી રહેવા માટે ગુણવત્તાસભર અભ્યાસ, લાયકાત અને કૌશલ્ય લક્ષ્યાંકો હાંસલ કરવા માટે તનતોડ મહેનતની સાથે મોટી ઊંમર સુધી સંઘર્ષ કરતી રહે છે.
આના પગલે લગ્ન અને પારિવારિક જીવન શરૂ કરવામાં વિલંબને કારણે જન્મદરમાં પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે. અન્ય વિકસિત અને આધુનિક દેશોની જેમ બ્રિટનમાં પણ જન્મદરમાં ઝડપથી ઘટાડો નોંધાઇ રહ્યો છે.લંબાઇ રહેલું વિદ્યાર્થી જીવન પણ જન્મદરમાં ઘટાડાની આગમાં ઘી હોમી રહ્યું છે. આજે દરેક યુવા મોટા શહેરમાં સ્થાયી થવાના સ્વપ્ન જોઇ રહ્યો છે.
અગાઉની પેઢી સંસારના સંઘર્ષની સાથે વિકાસ સાધતી હતી પરંતુ આજની યુવાપેઢીને સાંસારિક જીવનની પળોજણ સાથે સંઘર્ષ કરવામાં રસ રહ્યો નથી. પહેલાના જમાનામાં તો યુવાઓ 21 વર્ષે માતાપિતા બની જતાં હતાં પરંતુ આજની પેઢી 30 વર્ષ સુધી તો લગ્ન કરવાનું નામ પણ લેતી નથી. આ માટે આધુનિક જીવનશૈલી પણ જવાબદાર ગણી શકાય. તેમને બંધનોમાં બંધાઇને રહેવું નથી. લગ્ન અને પરિવારની પળોજણમાં પરોવાતા પહેલાં તેમને દુનિયાના તમામ સુખ એન્જોય કરી લેવાં છે.


comments powered by Disqus