લોસ એન્જલસનો વિનાશક દાવાનળ માનવજાત સામે લાલ બત્તી

Thursday 16th January 2025 00:54 EST
 

માનવ મહાસત્તા પણ કુદરતની સામે કેટલી હદે લાચાર બની શકે છે તેનો વધુ એક પુરાવો લોસ એન્જલસમાં ભડકેલા દાવાનળે આપી દીધો છે. હજારો એકરમાં વિસ્તરી ચૂકેલા દાવાનળે અત્યાર સુધીમાં 24 માનવ જિંદગીનો ભોગ લીધો છે, 12,000થી વધુ ઇમારતો વિનાશક આગમાં ભસ્મીભૂત બની છે અને 150 બિલિયન અમેરિકન ડોલર જેટલું આર્થિક નુકસાન અંદાજવામાં આવી રહ્યું છે.
નિષ્ણાતો લોસ એન્જલસની આ હોનારત માટે પણ ક્લાઇમેટ ચેન્જને જ જવાબદાર ગણાવી રહ્યાં છે. વાતાવરણમાં થઇ રહેલા બદલાવના કારણે કેલિફોર્નિયામાં પાનખર અને શિયાળાના વરસાદમાં વિલંબ થયો હતો. જુલાઇ 2024 બાદના સમયગાળામાં અમેરિકાના આ સ્ટેટમાં છેલ્લા 150 વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.
વધી રહેલા તાપમાન અને સૂકાભઠ બની રહેલાં જંગલોના કારણે કેલિફોર્નિયામાં દાવાનળની ઘટનાઓમાં પ્રચંડ વધારો થઇ રહ્યો છે. પૂરઝડપે ફૂંકાતા પવનોએ આ આગને વિસ્તારવામાં ઘી હોમવાનું કામ કરી દીધું હતું. ક્લાઇમેટ ચેન્જના કારણે વાતાવરણ સાવ શુષ્ક બની જતાં તાજેતરનો દાવાનળ લોસ એન્જલસ માટે ભયાનક બની રહ્યો હતો.
પર્યાવરણમાં માનવ સર્જિત બદલાવોને કારણે કેલિફોર્નિયા ગરમ અને સૂકું બની રહ્યું છે. તેના કારણે દરવર્ષે ફાટી નીકળતા દાવાનળમાં જંગલોનો ખાત્મો થઇ રહ્યો છે. આંકડા પ્રમાણે 1970ના દાયકાની સરખામણીમાં કેલિફોર્નિયામાં દાવાનળમાં નષ્ટ થતો જંગલ વિસ્તાર પાંચ ગણો થઇ ગયો છે. ક્લાઇમેટ ચેન્જના કારણે પવનોની ઝડપમાં વધારો થતાં દાવાનળ ઝડપથી વિસ્તરી રહ્યાં છે. હાલનો દાવાનળ 25 ટકા વધુ ઝડપથી પ્રસરી રહ્યો છે.
કેલિફોર્નિયામાં આ સમયગાળામાં ઝડપથી ફૂંકાતા પવન અસામાન્ય નથી પરંતુ વરસાદમાં વિલંબે ધરતી અને જંગલોને સૂકાભઠ બનાવ્યાં છે. જૂન અને જુલાઇ 2024 ઘણા ગરમ રહ્યાં હતાં અને ઓક્ટોબરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. લોસ એન્જલસનો દાવાનળ ફક્ત અમેરિકા જ નહીં પરંતુ સમગ્ર માનવ જાતને વધુ એકવાર ક્લાઇમેટ ચેન્જ માટે લાલબત્તી ધરી રહ્યો છે. કુદરત સાથેના ચેડાં સમગ્ર માનવજાતને જોખમમાં મૂકી રહી છે.


comments powered by Disqus