તાજેતરમાં ભારતના ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં 8થી 10 જાન્યુઆરી વચ્ચે 18મા પ્રવાસી ભારતીય સંમેલન યોજાઇ ગયું. સંમેલનમાં 75 દેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસી ભારતીયો ઉપસ્થિત રહ્યાં હતાં. વિદેશોની ધરતીને પોતાનું કર્મક્ષેત્ર બનાવીને ભારતીય ડાયસ્પોરા ઉત્તરોતર પ્રગતિના સોપાન સર કરી રહ્યો છે. આજે બ્રિટનથી માંડીને અમેરિકા, યુરોપ અને એશિયાના મહત્તમ દેશોમાં ભારતીયો સ્થાયી થયાં છે. સંયુક્ત રાષ્ટ્રના એક અંદાજ પ્રમાણે હાલ 18 મિલિયન ભારતીયો વિદેશોમાં વસવાટ કરી રહ્યાં છે. આ દેશોમાં ભારતીયો રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક એમ તમામ સેક્ટરમાં ઉચ્ચ સ્થાનો સુધી પહોંચી રહ્યાં છે. ભારતીયોની આર્થિક ક્ષમતાઓ હવે વતનની સરહદો પાર કરીને સમગ્ર વિશ્વ પર છાપ છોડી રહી છે. તેઓ ન કેવળ વસવાટના દેશમાં પરંતુ વતનના દેશમાં પણ મહત્વનું આર્થિક યોગદાન આપી રહ્યાં છે. ભારતીય રિઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર એપ્રિલ 2022થી માર્ચ 2023ના સમયગાળામાં ભારતમાં એનઆરઆઇ બેન્ક ખાતાઓમાં 7.99 બિલિયન અમેરિકન ડોલર જેટલી રકમ જમા થઇ હતી. જે અગાઉના નાણાકીય વર્ષના 3.23 બિલિયન અમેરિકન ડોલર કરતાં બમણી હતી. ભારતીય ડાયસ્પોરા જાણે કે વિશ્વની ઇકોનોમિક પેટર્ન જ બદલી રહ્યો છે.
વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ગણાતા અમેરિકામાં ભારતીયો સૌથી વધુ આવક ધરાવતા વંશીય લઘુમતી સમુદાય તરીકે ઉભરી આવ્યાં છે. અમેરિકામાં આવીને વસેલા ભારતીયોની સરેરાશ આવક વર્ષ 2021માં 1,20,000 ડોલર રહી હતી. આજે અમેરિકાનો ભારતીય ડાયસ્પોરા રિઅલ એસ્ટેટ, બિઝનેસથી માંડીને તમામ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યો છે. ફક્ત અમેરિકામાં જ નહીં પરંતુ યુકે, સિંગાપોર અને ખાડી દેશોમાં પણ ભારતીય ડાયસ્પોરામાં આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
એનાલિસ્ટોનું કહેવું છે કે ઇન્ડિયન ડાયસ્પોરાની ઇકોનોમિક સ્ટોરીની વૈશ્વિક પ્રગતિ જારી રહેશે. એમ લાગી રહ્યું છે કે વૈશ્વિક સંદર્ભમાં 21મી સદી ભારતીય ડાયસ્પોરાની છે. જો જે તે દેશની આર્થિક અને રાજકીય નીતિઓ ડાયસ્પોરાની તરફેણમાં રહેશે તો તેની આર્થિક ક્ષમતાઓને વિસ્તરતા કોઇ અટકાવી શકશે નહીં.