અમેરિકામાં ગેરકાયદે ઘૂસતાં દંપતી ઝડપાયુંઃ જિતુ પટેલ જ એજન્ટ હતો

Wednesday 16th April 2025 06:14 EDT
 
 

અમદાવાદઃ કેનેડા સરહદેથી અમેરિકામાં ઘૂસણખોરી કરતાં ઝડપાયેલા પરિવારે કલોલના જિતુ પટેલ નામના એજન્ટે બધી ગોઠવણ કરી હોવાનો ભાંડો ફોડતાં સીબીઆઇએ જિતુ પટેલને કલોલથી પકડીને વધુ તપાસ હાથ ધરી છે. કેનેડા સરહદેથી ઝડપાયેલા મહેસાણાના પટેલ પરિવારનાં પતિ-પત્ની અને પુત્રને અમેરિકન સત્તાવાળાઓએ ભારત ડિપોર્ટ કરી દીધાં હતાં, જેમની પણ ધરપકડ કરાઈ છે. આ ત્રણેયની નવી દિલ્હી ખાતે સીબીઆઇ હેડક્વાર્ટરમાં પૂછપરછ કરવામાં આવી હતી.
જિતુ પટેલ પહેલાં પણ ગુજરાતથી 50 જેટલા લોકોને કબૂતરબાજી દ્વારા વિદેશ મોકલી ચૂક્યો છે. જિતુની પૂછપરછમાં તેમનાં નામ બહાર આવશે તો અમેરિકામાં તેમના પર પણ તવાઈ આવશે અને તેમને પણ ડિપોર્ટ કરાશે. સીબીઆઇના અધિકારીઓ પાસેથી મળેલી વિગતો પ્રમાણે જિતુ પટેલે પોતાના નેટવર્ક મારફતે પોતાના ક્લાયન્ટને કેનેડા બોર્ડર પરથી ઘૂસણખોરી કરાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘૂસણખોરી કરતાં ઝડપાયેલા લોકોએ પોતાને ગેરકાયદે ઘૂસાડવાની આ વ્યવસ્થા કલોલના જિતુ પટેલ નામના એજન્ટે કરી આપી હોવાની વિગતો આપી હતી. જેના પગલે જિતુ પટેલની કલોલથી ધરપકડ કરાઈ છે.


comments powered by Disqus