આણંદઃ વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે ચાંગાસ્થિત ચારુસેટ કેમ્પસની મુલાકાત લઈ ચારુસેટ યુનિવર્સિટી દ્વારા યોજાયેલી ‘ચેન્જિંગ વર્લ્ડ: ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ચેલેન્જીસ’ થીમ પર ચાવીરૂપ પ્રવચન આપ્યું હતું. વિદેશમંત્રીએ ચારુસેટના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી તેમના સવાલોના માહિતીસભર જવાબ આપ્યા હતા.વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે જણાવ્યું કે, રાષ્ટ્રને મહાન બનાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ સંસ્થાઓ દેશભરમાં સ્થપાઈ છે. આવી સંસ્થાઓના સહયોગથી જ ભારત મહાન રાષ્ટ્ર બનશે. આ સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નસીબદાર છે કે તેમને આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ઉચ્ચશિક્ષણ મેળવવાની તક મળી છે.
જયશંકરે ઉમેર્યું કે, છેલ્લાં 10 વર્ષમાં દેશમાં તમામ ક્ષેત્રોમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. ભારત આજે આત્મવિશ્વાસ સાથે દુનિયાની સાથે કદમ મિલાવી પડકારોનો સામનો કરી નવી તકોના સર્જન થકી વિકસિત ભારત @ 2047ના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા આપને આગળ વધી રહ્યા છીએ. વિદેશમંત્રીએ સરદાર પટેલની તેમના વિઝનરી લીડરશિપને યાદ કરી તેમને ભાવાંજલિ અર્પણ કરી હતી. ચારુસેટ કેમ્પસમાં ડો. એસ. જયશંકરનું પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, મદદનીશ કલેકટર હિરેન બારોટ અને અન્ય મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું. વિદેશમંત્રીએ મેનેજમેન્ટ, ડીન, પ્રિન્સિપાલ સાથે બેઠક કરી સંસ્થાની જાણકારી મેળવી કેમ્પસ વિઝિટ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજય ચૌથાઈવાલેએ કર્યું હતું. અંતમાં આભારવિધિ રજિસ્ટ્રાર ડોક્ટર અતુલ પટેલે કરી હતી. ચારુસેટના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, કેળવણી મંડળના મંત્રી ડો. એમ. સી. પટેલ, માતૃસંસ્થા પ્રમુખ નગીનભાઈ પટેલના હસ્તે વિદેશમંત્રીને મોમેન્ટો એનાયત કરાયો હતો. ડો. એસ. જયશંકરની આ પ્રતિષ્ઠિત ચારુસેટ યુનિવર્સિટીની મુલાકાત મહત્ત્વપૂર્ણ બની છે, જે ચારુસેટની સમગ્ર દેશમાં વધતી જતી ઓળખ અને પ્રતિષ્ઠાને પ્રતિબિંબિત કરે છે.
આ પ્રસંગે સાંસદ મિતેષ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ, વિપુલભાઈ પટેલ, કમલેશ પટેલ, ચારુસેટના પદાધિકારીઓ તથા હોદ્દેદારો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.