બિલિમોરાઃ ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ખાતે બિલિમોરાના યુવક મિહિરની તેની સાથે રહેતા રૂમ પાર્ટનરે ચપ્પુ મારી કરપીણ હત્યા કરી નાખી છે. આ ઘટનાની જાણ થતાં બિલિમોરા-ચીખલી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વિદેશમાં ગુજરાતીઓની વારંવાર થતી હત્યાની ઘટનાને પગલે સમગ્ર ગુજરાતી સમાજ હચમચી ઊઠ્યો છે. બંને યુવાન રાત્રે રૂમમાં બેઠા હતા ત્યારે કોઈ બાબત બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો.
મળતી માહિતી મુજબ બિલિમોરાના યમુનાનગરમાં રહેતો મિહિર દેસાઈ લાંબા સમયથી ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ખાતે નોકરી-ધંધાર્થે તેના ચાર રૂમ પાર્ટનર સાથે રહેતો હતો. તે મૂળ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેગામ ગામના સુખી-શિક્ષિત પરિવારનો દીકરો હતો. તેમના પિતા મૂકેશભાઈ બેન્કમાં નોકરી કરતા હોવાથી દેગામથી બિલિમોરા ખાતે રહેવા આવ્યા હતા, પરંતુ કમનસીબે તેના પિતા મૂકેશભાઈનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. બાદમાં માતા માયાબહેન સાથે બિલિમોરા ખાતે રહેતો મિહિર નોકરી-ધંધાર્થે ઓસ્ટ્રેલિયા ગયો હતો.
મળતી વિગત મુજબ તેઓ 4 રૂમ પાર્ટનર હતા, જેમાં બે ગુજરાતી અને બે પંજાબી હતા. રાત્રે તેઓ બેઠા હતા ત્યારે મિહિર અને એક પંજાબી રૂમ મેટ વચ્ચે કોઈક બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. દરમિયાન આવેશમાં આવી ગયેલા પંજાબી યુવકે તેની પાસેના ચપ્પુથી મિહિર પર હુમલો કર્યો હતો.