પોરબંદરઃ ગુજરાતના દરિયામાંથી વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ને સફળતા મળી છે. પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં 12-13 એપ્રિલે હાથ ધરાયેલા ઓપરેશનમાં રૂ. 1800 કરોડનો 311 કિલો નશીલો પદાર્થ જપ્ત કરાયો. કોસ્ટગાર્ડની શિપને જોઈને પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સને દરિયામાં ફેંકીને ભાગી ગયા હતા, જે બાદ કોસ્ટગાર્ડે ડ્રગ્સ જપ્ત કર્યું હતું.
ડ્રગ્સ ગુજરાતથી તામિલનાડુ જવાનું હતું
ગુજરાત ATSના DIG સુનીલ જોશીએ જણાવ્યું કે, ગુજરાત ATSએ બાતમીના આધારેે પેટ્રોલિંગ વધાર્યું હતું. આ દરમિયાન બાતમીવાળી બોટ દેખાતાં તેને કોસ્ટગાર્ડ દ્વારા પકડવાનો પ્રયાસ કરાયો હતો. જો કે આ પાકિસ્તાની બોટ પર રહેલા શખ્સોએ બ્લૂ રંગના ડ્રમ્સ દરિયામાં ફેંકી દીધા હતા અને IMBL તરફથી ફરાર થઈ ગયા હતા. આ ડ્રગ્સ ગુજરાતના રસ્તે તામિલનાડુ મોકલવાનું હતું.