રાજકોટઃ વકફ સુધારા બિલ તાજેતરમાં પાસ થયા બાદ રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી દીધી છે, ત્યારે વકફ બોર્ડને અગાઉ મળેલા અધિકારો પર મહદ્અંશે અંકુશ આવી જશે. કહેવાય છે કે ભારતીય સંરક્ષણ દળ, રેલવે પછી દેશમાં ત્રીજા ક્રમે સૌથી વધુ મિલકત – જમીન વકફ બોર્ડના નામે છે. ત્યારે ગુજરાત સ્ટેટ વકફ બોર્ડના આંકડા મુજબ ગુજરાતમાં વકફ બોર્ડ પાસે અબજો રૂપિયાની અધધ 39,940 મિલકતો છે.
સૌરાષ્ટ્રમાં જ વકફ બોર્ડ પાસે 3225 મિલકતો આવેલી છે, જેમાં સૌથી વધારે જૂનાગઢમાં 884 જ્યારે રાજકોટમાં 730 મિલકતનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રમાં વકફ બોર્ડ પાસે સૌથી ઓછી 159 મિલકત પોરબંદરમાં આવેલી છે.
વકફ સુધારા બિલ 2025માં યુઝરના પ્રાવધાનને ખતમ કરવામાં આવ્યું છે. હવે માત્ર તે મિલકત વકફ તરીકે ગણાશે, જે ઔપચારિક રીતે વકફને સમર્પિત કરાઈ છે. અગાઉ વકફ બાય યુઝર પ્રથા હતી, જેમાં મસ્જિદ, કબ્રસ્તાન અથવા દરગાહ જેવી મિલકત, જો મુસ્લિમ સમુદાય દ્વારા લાંબા સમયથી ધાર્મિક અથવા સામુદાયિક હેતુ માટે ઉપયોગમાં લેવાતી હોય તો તેને વકફ તરીકે ગણાતી હતી, પછી ભલે તે કોઈપણ ઔપચારિક દસ્તાવેજ અથવા ઘોષણા વગર હોય. આ ઈસ્લામિક કાયદાનો એક ભાગ હતો, પરંતુ હવે બિલમાં આ જોગવાઈ નાબૂદ કરાઈ છે. હવે જો કોઈ જમીન કે ઈમારતનો વર્ષોથી મસ્જિદ કે કબ્રસ્તાન તરીકે ઉપયોગ થતો હોય, પરંતુ તેની પાસે વકફનો કોઈ કાયદેસરનો દસ્તાવેજ ન હોય તો તેને વકફ ગણવામાં આવશે નહીં. જિલ્લા કલેક્ટર દ્વારા દરેક વકફ મિલકતની ચકાસણી કરાશે.