આણંદઃ ચારુસેટ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સીસના ડીન અને BDIPSનાં પ્રિન્સિપાલ ડો. ધારા એન. પટેલને મહત્ત્વપૂર્ણ રિસર્ચ પ્રોજેક્ટ માટે ગુજરાત સરકાર તરફથી રૂ. 62 લાખની ગ્રાન્ટ મળી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મતે 2050 સુધીમાં મોટાભાગની દવાઓ બિનઅસરકારક બની જશે.
આ સમસ્યાના સમાધાન માટે ડો. ધારા પટેલ એક નવતર અભિગમ અપનાવી રહ્યા છે. તેમનો પ્રોજેક્ટ બેક્ટેરિયાને આત્મહત્યા માટે પ્રેરિત કરવાની પદ્ધતિ પર આધારિત છે. ગુજરાત સ્ટેટ બાયોટેક્નોલોજી મિશન અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા મંજૂર થયેલા આ પ્રોજેક્ટમાં કિડની હોસ્પિટલ-નડિયાદના ડો. શિશિર ગંગ કો-ઇન્વેસ્ટિગેટર તરીકે જોડાયા છે. આ ટીમ ત્રણ વર્ષ સુધી સંશોધન કરશે.
ડો. ધારા પટેલના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ બેક્ટેરિયામાં રહેલ ‘કિલ સ્વિચ’ને શોધવાનો છે. આ સ્વિચ એવું ટ્રિગર બટન બનશે જે બેક્ટેરિયાને આત્મવિનાશ તરફ દોરી જશે. આ સંશોધન ખાસ કરીને ડાયાલિસીસ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની શકે છે.