ધર્મ-સંસ્કાર-વારસાને ઉજાગર કરતી ધાર્મિક સંગત એટલે ‘સોનેરી સંગત’

બાદલ લખલાણી Wednesday 16th April 2025 07:04 EDT
 
 

ધર્મ, સંસ્કાર અને વારસાને સતત ઉજાગર કરતાં ગુજરાત સમાચારનો 3 એપ્રિલે યોજાનારો ખાસ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ કાર્યક્રમ ખાસ બની રહ્યો. પ્રકાશક-તંત્રી સી.બી. પટેલની આગેવાનીમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું, જેનો વિષય રામનવમી, સ્વામિનારાયણ જયંતી અને ચૈત્રી નવરાત્રી રહ્યો.
કાર્યક્રમનું સંચાલન કરતાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર પૂજાબહેન રાવલે જણાવ્યું કે, માતૃ ઉપાસનાના દર ત્રણ મહિને આવતા પર્વ નવરાત્રીમાં ઉપાસકો ઉપાસના દ્વારા નવી ઊર્જાનો સંચય કરે છે, જેમાં શારદીય, ચૈત્રી અને અન્ય બે ગુપ્ત નવરાત્રીનો સમાવેશ થાય છે.
નવરાત્રીના નવ દિવસોમાં માતાજીનાં નવ સ્વરૂપ જેમ કે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી અને મહાગૌરી અને સિદ્ધિદાત્રીની પૂજા-અર્ચના અને ઉપાસના કરવામાં આવે છે. આમ આ નવ દિવસ દરમિયાન માતાજીના શૈલપુત્રી (પર્વતની પુત્રી) તરીકે ઉદ્ભવથી લઈને ક્રમિક વિકાસના તબક્કા વટાવતાં નવમા નોરતે તમામ સિદ્ધિની દાતા એટલે સિદ્ધિદાત્રી તરીકેનો અંતિમ વિકાસક્રમ દર્શાવે છે.
નવરાત્રીના અંતિમ દિવસે રામનવમી આવે છે, ત્યારે એમ લાગે કે નવરાત્રીની ઉપાસનાના ફળસ્વરૂપે પરમાત્માની પ્રાપ્તિ થતી હોય. નવરાત્રીમાં ગવાતા ગરબા સમગ્ર બ્રહ્માંડની રચનાનો આશ્ચર્યજનક રીતે આબેહૂબ પ્રતીક છે. આરાધના સમયે વચ્ચે મુકાતા ગરબાના છીદ્રમાંથી પ્રસરતો પ્રકાશ જાણે કે તારાથી ઝગમગતા આભામંડળનું પ્રતીક છે અને તેની આસપાસ રમાતા ગરબા સૂર્ય સહિતના ગ્રહો અને નક્ષત્રોનું પ્રતીક છે. સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના મૂળમાં આદ્યશક્તિ જ હોવાનું શાસ્ત્રો અનાદિકાળથી કહે છે. આ જ્ઞાનને આઇન્સ્ટાઇનની થિયરી અને આજનું વિજ્ઞાન પણ સ્વીકારે છે. આઇનસ્ટાઇન કહે છે કે, E=mc² એટલે કે આપણા ભૌતિક વિશ્વના મૂળમાં ઊર્જા જ છે. આમ દરેક નવરાત્રીમાં શક્તિ ઉપાસનાનું મહત્ત્વ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક બંને રીતે અદકેરું છે.
શક્તિ ઉપાસનાનું મહત્ત્વ જણાવ્યા બાદ પૂજાબહેન રાવલે આગ્રહ કરતાં મીનલબહેન ત્રિવેદીએ સુંદર ગરબા ‘કોઈ આરાસુર તેડાવો’, ‘આવો તો રમવા ને’ રજૂ કર્યો. જે બાદ માયાબહેન દીપકે વિષ્ણુશંકર શાસ્ત્રીજીના હસ્તે લખાયેલો અને જાતે જ કમ્પોઝ કરેલો ‘ઘમ્મર ઘુઘરીના ઘમકારે અંબા મારાં ઘુમે છે’ ગરબો પ્રસ્તુત કર્યો હતો.
મીનલબહેનના ગરબા બાદ કન્સલ્ટિંગ એડિટર કોકિલાબહેન પટેલે કાર્યક્રમની ધુરા સંભાળતાં ધીરુભાઈ ગઢવીને આગ્રહ કરતાં કહ્યું કે, આજે છત્રપતિ શિવાજીની પણ જન્મજયંતી છે, આ અંગે જીજાબાઈએ જે હાલરડું ગાઈને શિવાજીમાં જે શક્તિનો જે સંચાર કર્યો હતો તે જ અમને સંભળાવો.
ધીરુભાઈ ગઢવીઃ આ ચૈત્રી નવરાત્રીનો પ્રસંગ છે, ત્યારે માતાની સ્તુતિના ગાન વિના હું રહી ન શકું. ધીરુભાઈએ સૌપ્રથમ ‘કે માતાજી આવે’ ગાઈને માતાજીના ગરબા અને સ્વરૂપનું નિરૂપણ કર્યું. શિવાજીના જીવનકવન અંગે જણાવી ધીરુભાઈએ ‘આભમાં ઊગેલ ચાંદલોને’ જીજાબાઈનું હાલરડું ગાઈને સૌકોઈને ડોલાવ્યા હતા.
કાર્યક્રમમાં આગળ વધતાં કોકિલાબહેન પટેલે કહ્યું કે, હિન્દુ શાસ્ત્ર મુજબ આસો, મહા, ચૈત્ર અને અષાઢ એમ શક્તિ ઉપાસનાની ચાર નવરાત્રી છે. જેમાં શરદ અને વસંત ઋતુમાં આવતી નવરાત્રી વધુ ફળદાયી ગણવામાં આવે છે. ચૈત્રી નવરાત્રીમાં જેમ અંબાજી પર બિરાજમાન મા શક્તિની પૂજા થાય છે તેમ પાવાગઢ પર બિરાજમાન મા મહાકાળીની પણ ભક્તિ અને આરાધના થાય છે.
કોકિલાબહેને ગુજરાત હિન્દુ સોસાયટી-પ્રેસ્ટનના પ્રમુખ ઇશ્વરભાઈ ટેલરને પૂછયું કે, આપણે પ્રેસ્ટનમાં તહેવારો કેવી રીતે ઊજવીએ છીએ?
ઇશ્વરભાઈ ટેલરઃ અમે અહીં રવિવારથી જ માતાજીની સ્થાપના કરી મોટી આરતી કરીએ છીએ. આ સાથે રામ પારાયણનું પણ વાંચન કરીએ છીએ. અહીં આપણા પૂજારી દ્વારા રોજ ચંડીપાઠ કરી પ્રસાદ ધરાવે છે. સોમવાર-શુક્રવારે અહીં બહેનો એકઠી થઈ ગરબા પણ કરે છે. આપણા માટે ખાસ ગણાતી ચૈત્રી નવરાત્રીમાં મંદિરમાં માતાજીની સુંદર સેવા-પૂજા કરવામાં આવે છે.
આ વર્ષે આપણાં 50 વર્ષ પૂર્ણ થવા પર મોટો પાટોત્સવ પણ અમે ઊજવવાના છીએ. આ અંગે ભાઈશ્રી રમેશભાઈ ઓઝા આવશે અને ઓગસ્ટમાં ભાગવત કથાનો કાર્યક્રમ પણ આયોજિત થશે. આ સાથે અમે રથયાત્રાનું આયોજન પણ કર્યું છે.
પ્રેસ્ટન મંદિરે તમામ હિન્દુ તહેવારની ઉજવણી કરાય છે. રામનવમી પૂર્ણ થતાં હનુમાન જયંતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આપણાં બાળકો માટે અમે ‘ભજન – ભોજન’નો ખાસ કાર્યક્રમ કર્યો છે, જેમાં બાળકો ભજનની સાથે ભોજન લે છે, જેથી બાળકોમાં આપણી સંસ્કૃતિનું સુંદર સિંચન કરી શકાય.
સહજાનંદ સ્વામીની જયંતી અંગે અમદાવાદ કુમકુમ સ્વામિનારાયણ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ વચનામૃત પિરસતાં જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું, જેની નજીક આવેલા છપૈયા ગામે સંવત 1837માં ચૈત્ર સુદ નોમના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું હતું. બાળપણમાં તેમનું નામ ઘનશ્યામ રખાયું હતું. ઘનશ્યામે છપૈયામાં સૌને દુઃખ આપતા કાલીદત્ત નામના અસુરને નાશ કર્યો હતો. નાનપણથી જ ધર્મદેવ અને ભક્તિની તેમણે ખૂબ સેવા કરી. માતા-પિતાની પરમસેવાનો પણ તેમણે વિશ્વને સુંદર સંદેશ આપ્યો હતો. માતા-પિતાની ગતિ બાદ ઘનશ્યામ મહારાજ નીલકંઠવર્ણી નામ સાથે વનવિચરણ પર નીકળી જાય છે. 13 હજાર કિ.મી.ના વિચરણ દરમિયાન તેમણે અનેક જીવોનો ઉદ્ધાર કર્યો. વિચરણ પૂર્ણ કર્યા બાદ નીલકંઠવર્ણીએ લોજ ખાતે રામાનંદ સ્વામીના આશ્રમમાં મુક્તાનંદ સ્વામી પાસે રોકાય છે. થોડા દિવસ બાદ રામાનંદ સ્વામી તેમને દીક્ષા આપે છે અને તેમનું સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ નામ પાડે છે.
જેતપુરમાં રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને ધર્મધુરા સુપરત કરે છે અને પોતે અંતર્ધ્યાન થાય છે. રામાનંદ સ્વામીના ચૌદમાના દિવસે સહજાનંદ સ્વામી પોતાનું નામ સ્વામિનારાયણ જાહેર કરે છે. આ ઘટના બાદ તેઓ ભગવાન સ્વામિનારાયણ તરીકે ઓળખાયા, જેમનો સંપ્રદાય આજે વિશ્વફલક પર પહોંચ્યો છે. સ્વામિનારાયણ ભગવાને ગુજરાતમાં 28 વર્ષ વિચરણ કર્યું છે. અહીં તેમણે ગામડે ગામડે જઈ લૂંટફાટ કરનારા લોકોના હાથમાં પણ માળા આપી છે.
અંગ્રેજ શાસનના અધિકારી સર માલ્કમ જ્યારે રાજકોટ આવ્યા હતા ત્યારે ભગવાન સ્વામિનારાયણે તેમને શિક્ષાપત્રી ગ્રંથ તેમને ભેટમાં આપ્યો હતો. આ ગ્રંથ લંડન લઈ આવ્યા અને આજે તે ઓક્સફર્ડ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં સચવાયેલો છે. આમ લંડન સાથે પણ ભગવાન સ્વામિનારાયણની એક કથા વણાયેલી છે.
કાર્ડિફ સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટરનાં સેક્રેટરી વિમળાબહેન પટેલે જણાવ્યું કે, અમારા રવિવારે યોજાનારા રામનવમીના કાર્યક્રમમાં બર્મિંગહામથી કોચમાં 50 લોકો આવી રહ્યા છે. આ નિમિત્તે બાળકો મંદિરમાં પોતાની કળા દર્શાવશે, તો મહિલાઓ ભજનગીત રજૂ કરશે. આ નિમિત્તે સવારથી પૂજા અને સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે કાર્ડિફ અને તેની આસપાસથી આશરે 450 લોકો એકત્ર થવાની સંભાવના છે, જેમના માટે અમે જાતે રસોઈ બનાવીએ છીએ.
કાર્યક્રમનું સમાપન કરતાં સી.બી. પટેલે કહ્યું કે, આપણા સનાતન ધર્મની આપણી સાખ એ જ છે કે ઉત્સવ કરો, ભગવાનનું નામ લો અને એકતા રાખો. આ અર્થે જ કદાચ આપણા સનાતનીઓ પાસે આટલા બધા ઉત્સવ છે.


comments powered by Disqus