કેવડિયાઃ નર્મદા જિલ્લામાં તિલકવાડા અને નાંદોદના રામપુરા ગામમાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા માટે રવિવારે રજાના દિવસે લગભગ 3 લાખ ભાવિકો ઊમટી પડ્યા હતા. લાખો ભાવિકો માટે રેંગણથી કીડીમકોડી ઘાટ લઈ જતી નૌકાઓ ફક્ત 60 અને જેટી પણ ગણતરીની હોવાથી ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. જેનાથી રોષે ભરાયેલા કેટલાક લોકોએ બેનરો ફાડી આક્રોશ ઠાલવ્યો હતો.
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા માટે શનિવાર અને રવિવારની રજામાં ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણાથી શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઊમટી પડ્યું હતું. વિતેલા 24 કલાકમાં તો અંદાજે ત્રણ લાખ લોકોના ધસારાથી તંત્રની વ્યવસ્થા ખોરવાઈ હતી. હજારો ભાવિકો માટે ફક્ત 60 નૌકા હોવાથી રેંગણ ઘાટ પર મેરેથોન વેઇટિંગ જોવા મળ્યું હતું. કલાકો ઊભા રહ્યા બાદ પણ નૌકા માટે નંબર ન લાગતાં ભાવિકોએ સંયમ ગુમાવ્યો હતો.
અસુવિધાથી ત્રસ્ત કેટલાક ભાવિકોએ રેંગણ ઘાટ નજીકના ગેટનાં બેનર ફાડી રોષ ઠાલવ્યો હતો. આ ઉપરાંત પરિક્રમા અધૂરી છોડવાની ફરજ પડતાં કેટલાક ભાવિકોની આંખોના ખૂણા ભીના થયા હતા. બીજી તરફ પરિક્રમા દરમિયાન ભાવિકો નાના-મોટા આશ્રમોમાં રોકાયા હતા. કેટલાક આશ્રમમાં તેઓ પાસેથી ભાડાપેટે નાણાં વસૂલાયાં હોવાની બૂમ પડી હતી. શનિવાર, રવિવાર અને સોમવારની જાહેરરજાના કારણે પરિક્રમા માટે આવતા ભાવિકોની સંખ્યાનો આંકડો 5 લાખને પાર ગયો હતો.