નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસનું નિયંત્રણ ધરાવતા નેશનલ હેરોલ્ડ અખબાર તથા એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ (એજેએલ)ની રૂ. 661 કરોડની સ્થાવર મિલકતોનો કબજો લેવા નોટિસ ઇશ્યૂ કરી છે. નેશનલ હેરોલ્ડ કેસ તરીકે જાણીતા આ કેસમાં કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી તથા લોકસભામાં રાહુલ ગાંધીનું આરોપી તરીકે નામ છે.
તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, તેણે દિલ્હીના આઈટીઓ સ્થિત હેરોલ્ડ હાઉસ, મુંબઈના બાંદ્રામાં આવેલા સ્થળે અને લખનઉમાં આવેલી એજેએલની ઈમારત પર નોટિસો ચોંટાડી છે. આ નોટિસમાં દિલ્હી અને લખનઉની જગ્યાઓ ખાલી કરવા જણાવાયું છે, જ્યારે મુંબઈની ઈમારતનું ભાડું કંપની ઈડીને તબદીલ કરે તેવો વિકલ્પ અપાયો છે.
આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની કલમ 8 અને નિયમ 5(1) હેઠળ કરાઈ છે. જેમાં ઈડી દ્વારા જપ્ત કરાયેલી અને સંબંધિત સત્તા દ્વારા પુષ્ટિ કરાયેલી સંપત્તિ જપ્ત કરવા અંગેની જોગવાઈનો સમાવેશ થાય છે. ઈડી દ્વારા આ સ્થાવર મિલકતો નવેમ્બર, 2023માં જપ્ત કરાઈ હતી. ઈડીનો મની લોન્ડરિંગનો આ કેસ એજેએલ અને તેની હોલ્ડિંગ કંપની યંગ ઈન્ડિયન સામે છે. નેશનલ હેરોલ્ડનું પ્રકાશન એજેએલ દ્વારા કરાય છે, જેની માલિકી યંગ ઈન્ડિયન પ્રાઇવેટ લિમિટેડની છે. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ યંગ ઈન્ડિયનમાં બહુમતિ શેરધારકો છે. બંને જણાં તેમાં 38-38 ટકા શેર ધરાવે છે.
ઈડીના આક્ષેપો અનુસાર યંગ ઈન્ડિયન અને એજેએલની સંપત્તિનો ઉપયોગ રૂ. 18 કરોડના બોગસ ડોનેશન, રૂ. 38 કરોડના નકલી એડવાન્સ ભાડાં અને રૂ. 29 કરોડની નકલી જાહેરાતોના રૂપે ગુનાની વધુ આવક પેદા કરવા કરાયો હતો. ભાજપ નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ આ કેસ ફાઇલ કર્યો હતો, જેમાં સોનિયા અને રાહુલ ગાંધી દ્વારા કથિત ગુનાઇત ગેરવહીવટનો આક્ષેપ મુકાયો હતો.