સુરેન્દ્રનગરઃ હાસ્ય કલાકાર પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીના પિતાશ્રીનું અવસાન થયું, તેના 5 કલાક બાદ આ હાસ્યકલાકારે ભરૂચના ચમારિયા ગામે બે કલાક સુધી લોકોને હસાવ્યા. કાર્યક્રમના અંતે તેમણે કહ્યું કે, મેં કાર્યક્રમનું વચન આપેલું એટલે મારે આવવું જ રહ્યું, પરંતુ 5 કલાક પહેલાં જ મારા પિતાનું અવસાન થયું છે.
શાહબુદ્દીનભાઈના શિષ્ય અને સુરેન્દ્રનગરના વતની જગદીશ ત્રિવેદીએ ગુરુનું અનુસરણ કરીને શિષ્યત્વ સાર્થક કર્યું. ભરૂચના ચમારિયા ગામે કાર્યક્રમમાં તેમણે ભરપૂર હાસ્ય પીરસ્યું. કાર્યક્રમના અંતે તેમણે કહ્યું, ‘પાંચ કલાક પૂર્વે મારા પિતાજીનું અવસાન થયું છે. મેં તારીખ આપી દીધી હતી એટલે મારે આવવું જ જોઈએ, પરંતુ મેં આજે બાપનું છત્ર ગુમાવ્યું છે. તેમનો પાર્થિવ દેહ વધુ સમય રાખી શકાય તેમ ન હોવાથી તેમના અંતિમ સંસ્કાર પણ થઈ ગયા છે.’