ભુજઃ રાપરના સરહદી બેલાના રણમાં રોડનો સરવે કરવા ગયેલા 3 પૈકી 2 વ્યક્તિ મળી આવ્યા હતા, જ્યારે સર્વેયર યુવાન લાપતા બન્યો હતો. જેને શોધવા પૂર્વ કચ્છ પોલીસ, વન વિભાગ અને બીએસએફની ટીમ દ્વારા ડ્રોન કેમેરા દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું અને સતત 5 દિવસની જહેમત પછી ગુરુવારે સાંજે સુકનાવાંઢ પાસેના રણમાંથી સર્વેયરનો મૃતદેહ મળ્યો હતો.
સીપીડબલ્યુ દ્વારા માર્ગનિર્માણ પૂર્વે સરવેની કામગીરી માટે ભાસ્કર એન્ડ જ્યોતિ કંપનીના સર્વેયર અર્નબપાલ સુનીલપાલ, આસિસ્ટન્ટ ચેલારામ મીઠારામ અને ડ્રાઇવર મોહંમદ ગની ખાન 6 એપ્રિલે બેલા ચેકપોસ્ટ પાસે એન્ટ્રી કરાવીને રણ વિસ્તારમાં ગયા હતા. રણમાં કાર આગળ જઈ શકતી ન હોવાથી સર્વેયર અર્નબપાલ અને આસિસ્ટન્ટ ચેલારામ પગપાળા કામગીરી હાથ ધરી હતી. આ બંને લોકો પરત ન આવતાં ડ્રાઇવર દ્વારા ખડીર પોલીસને જાણ કરાઈ હતી.