અમદાવાદઃ કોંગ્રેસ ભાજપનો ગઢ ગુજરાત સર કરવા ભારે મહેનત કરી રહી છે, જે અંતર્ગત રાહુલ ગાંધી મંગળવારે ફરી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ગુજરાતમાં પગદંડો જમાવવા કોંગ્રેસ દ્વારા ‘ સંગઠન સૃજન અભિયાન’ની શરૂઆત ગુજરાતથી થવા જઈ રહી છે. રાહુલ ગાંધી અમદાવાદથી મોડાસા જવા નીકળશે, જ્યાં સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ કરાવશે.
નિરીક્ષકોને જવાબદારી સોંપી
રાહુલ ગાંધીએ પ્રથમ બેઠકમાં જ કોંગ્રેસના નિરીક્ષકોને જવાબદારી સોંપી દીધી છે. એક કેન્દ્રીય નિરીક્ષક સાથે ગુજરાતના નિરીક્ષકોની 4 ટીમ બનાવાઈ છે, જે 10 દિવસમાં કોંગ્રેસને જે-તે જિલ્લા અંગેનો પ્રથમ રિપોર્ટ સબમિટ કરશે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીની 6 દિવસમાં આ બીજી ગુજરાત મુલાકાત છે. કોંગ્રેસ 45 દિવસમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક પૂર્ણ કરાશે.
કો-ઓર્ડિનેશન કમિટીની બેઠકમાં રાહુલની સલાહ
પ્રદેશ કાર્યાલયે પ્રથમ બેઠક યોજ્યા બાદ રાહુલ ગાંધીએ સર્કિટ હાઉસ ખાતે પ્રદેશના નેતાઓ સાથે કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક યોજી હતી. બેઠકમાં સિનિયર નેતાઓ પણ હાજર હતા. બેઠક દરમિયાન રાહુલે ગુજરાત કોંગ્રેસના નેતાઓને ટકોર કરી હતી કે, આપણે ભાજપ સાથે કોમ્પિટિશન કરવાની છે, અંદરોઅંદર નહીં. ગુજરાત કોંગ્રેસને નુકસાન પહોંચાડનારા નેતાઓને અલગ તારવવા માટે રાહુલ ગાંધી સતત ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે.