નવી દિલ્હીઃ ભારતે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરિન ફાઇટર જેટ ખરીદવા માટે મેગા ડીલને મંજૂરી આપી દીધી છે. માહિતી અનુસાર બંને દેશોની સરકાર ટૂંક સમયમાં રૂ. 63 હજાર કરોડથી વધુની સંરક્ષણ ડીલ પર હસ્તાક્ષર કરશે, જે હેઠળ ભારતીય નેવીને 22 સિંગલ-સીટર અને ચાર ટ્વીન-સીટર રાફેલ મરિન જેટ મળશે. ડીલ ફાઇનલ થયા બાદ રાફેલ મરિન એરક્રાફ્ટની ડિલિવરી 2029 ના અંતથી શરૂ થશે અને 2031 સુધીમાં ભારતીય નેવીને તમામ 26 એરક્રાફ્ટ મળી જશે. આ વિમાનોનું ઉત્પાદન ફ્રાન્સની પ્રાઇવેટ એવિએશન કંપની ડસોલ્ટ એવિએશન કરશે.
આ રાફેલ-એમ વિમાનોને INS વિક્રાંત અને INS વિક્રમાદિત્ય જેવા વિમાનવાહક યુદ્ધ જહાજો પર તહેનાત કરાશે. રાફેલ-એમ વિમાનોનો કાફલો જૂના થઈ રહેલા મિગ-29K વિમાનોના કાફલાનું સ્થાન લેશે. અહેવાલો અનુસાર આ ડીલ અંતર્ગત 26 રાફેલ જેટ ઉપરાંત ફ્રાન્સ વિમાનોના મેન્ટેનન્સ, લોજિસ્ટિકલ સપોર્ટ અને કર્મચારીઓની તાલીમ માટે પણ જવાબદાર રહેશે. આ ઉપરાંત ઓફસેટ જવાબદારીઓ હેઠળ આ વિમાનોના પાર્ટ્સ અને ડિવાઇસનું ઉત્પાદન ફક્ત ભારતમાં જ કરવું પડશે.