ધરમપુરઃ વલસાડના ધરમપુર તાલુકાના બરૂમાળમાં ભગવાન ભાવેશ્વર મહાદેવજીના રજતોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે હાજરી આપી હતી. આ પ્રસંગે ભાગવતે ઉદવાડા ગામના પારસી સમુદાયના મુખ્ય ધર્મગુરુ વડા દસ્તુર ખુરશેદ દસ્તુરજી સાથે મુલાકાત કરી હતી. સંઘના વડાને શાલ ઓઢાડી પુસ્તક અર્પણ કરી સન્માન કરાયું હતું અને ઉદવાડા પાક ઇરાનશાહ આતશ બહેરામ અને પારસી સંસ્કૃતિના મ્યુઝિયમની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું. આ નિમિત્તે ભાગવતે કહ્યું કે, આમ પણ ભારતીય સંસ્કૃતિ અને પારસી સંસ્કૃતિ ઘણી મળતી આવે છે. ભારતની સંસ્કૃત ભાષા અને પારસીઓની અર્વેસ્તાની ભાષા બહુ મળતી આવે છે, એટલે ભારતીય સંસ્કૃતિ અને પારસી સંસ્કૃતિ સિક્કાની બે બાજુ છે.
ગરીબોની મજબૂરીનો ફાયદો લેવાય છે
સદગુરુધામના ધાર્મિક કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું કે, એવી શક્તિઓ છે જે નવો આધ્યાત્મિક રસ્તો નથી આપતી, પરંતુ લોભ-લાલચ કે જોર જબરદસ્તીથી ગરીબોની મજબૂરીનો ફાયદો ઉઠાવી ધર્મ બદલવાનો પ્રયાસ કરે છે. તે વાસ્તવમાં અત્યાચાર છે તે ન થવું જોઈએ. જેને જે કરવું હોય તે કરે પણ આપણે જ ન બદલાઈએ તો તેઓ કશું કરી શકશે નહીં. આપણે લડવા-લડાવવા નથી ઇચ્છતા પરંતુ આપણે ધર્માંતરણથી બચવાનું અને લોકોને બચાવવાનું કામ તો કરવું જ પડશે. ધર્માંતરણ કરતી સંસ્થાઓ પોતાનો પ્રભાવ, વિસ્તાર અને સત્તા વધારવા લોકોનો ઉપયોગ કરે છે.