રાજકોટઃ વેપારીને હળદરની ખેતીમાં ઊંચા વળતરની લાલચ આપી મહારાષ્ટ્રની એ.એસ. એગ્રિ એન્ડ એક્વા એલએલપી કંપનીના સંચાલકો સહિતની ટોળકીએ રૂ. 64.80 કરોડની છેતરપિંડી આચરી છે. એગ્રિમેન્ટ મુજબના રૂ. 1.94 અબજ ન ચૂકવવાના કૌભાંડમાં ક્રાઇમબ્રાન્ચે મહારાષ્ટ્રના 19 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. રાજકોટના ઇતિહાસની આ સૌથી મોટી છેતરપિંડીના કેસમાં મહારાષ્ટ્રથી 4 આરોપીની ધરપકડ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
છેતરપિંડી અંગે ફરિયાદી દ્વારા પોલીસ કમિશનરને અરજી કરાઈ હતી, જેના આધારે સોમવારે ક્રાઇમબ્રાન્ચની અલગ-અલગ ટીમ બનાવી મહારાષ્ટ્ર મોકલી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરાઈ હતી. આ દરમિયાન મહારાષ્ટ્રના જુદાં-જુદાં સ્થળોથી 4 આરોપીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે, જેમાં પ્રવીણ વામન પથારે, હર્ષલ મહાદેવરાવ ઓઝે, વૈભવ વિલાસરાવ કોટલાપુરે અને હિરેન દિલીપભાઈ પટેલનો સમાવેશ થાય છે.