નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર પોલીસની સાઇબર વિંગે મ્યાનમારમાં સાઇબર રેકેટમાં ફેલાયેલા 60 વધુ ભારતીય નાગરિકોએ બચાવ્યા છે અને એક વિદેશી નાગરિક સહિત 5 એજન્ટની ધરપકડ કરી છે. નોકરીની લાલચ આપી લોકોને ફસાવાયા હતા.
ગુનામાં સામેલ એક આરોપીએ વેબ સિરીઝ અને ટેલિવિઝન શોમાં કામ કર્યું છે. મહારાષ્ટ્ર સાઇબરે આ સંદર્ભે 3 એફઆઇઆર નોંધી છે. રેકેટર્સે સોશિયલ મીડિયા દ્વારા પીડિતોનો સંપર્ક કરી થાઇલેન્ડ અને અન્ય પૂર્વ એશિયાઇ દેશોમાં ઊંચા પગારની નોકરીની લાલચ આપી હતી.
એજન્ટોએ પીડિતો માટે પાસપોર્ટ અને ફ્લાઇટ ટિકિટની વ્યવસ્થા કરી અને તેમને ટૂરિસ્ટ વિઝા પર થાઇલેન્ડ મોકલ્યા હતા. ત્યાંથી તેમને મ્યાનમાર બોર્ડર પર લઇ જવાયા, જ્યાં નાની હોડીથી નદી પાર કરાવાઈ હતી.
મ્યાનમારમાં પ્રવેશ્યા પછી તેમને સશસ્ત્ર બળવાખોર જૂથો દ્વારા એક કમ્પાઉન્ડમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને ડિજિટલ એરેસ્ટ સ્કીમ અને હેક ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ જેવા સાઇબર છેતરપિંડીના ગુના માટે દબાણ કરાયું હતું. જ્યાંથી મહારાષ્ટ્ર સાઇબર અને અન્ય એજન્સીઓએ પીડિતોને બચાવ્યા હતા.