બડોલીઃ તંત્રના વાંકે ઇડર તાલુકાના રતનપુર ગામે રહેતા એક પરિવારના મોભીને રૂ. 36 કરોડનો ટેક્સ ભરવાની નોટિસ ફટકારાતાં પરિવારના મોભીને નોકરી મૂકી વિવિધ કચેરીમાં આંટા મારવાની ફરજ પડી છે. જોવાનું એ છે કે અધિકારીઓ કોઈ સંતોષકારક જવાબ આપતા નથી, જેથી તેની હાલત બાઈ-બાઈ ચારણી જેવી થઈ ગઈ છે.
ઇડરના રતનપુર ગામે રહેતા જિતેન્દ્ર મકવાણા પોતાના પરિવારનું ભરણપોષણ કરવા ગાંધીનગરની એક કંપનીમાં અંદાજે રૂ. 12 હજારના પગારથી નોકરી કરે છે. ગરીબી રેખા નીચે આવતા હોવાના કારણે તેમને ઇન્દિરા આવાસ યોજના અંતર્ગત મકાન બનાવવાની સહાય પણ મળી ચૂકી છે. પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય હોવાથી તેમનાં વિધવા માતા તથા પત્ની છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.