મહેસાણાઃ વિજાપુર તાલુકામાં મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કરાય છે. જેમાં શાકભાજીની બટાકાં જાત પુખરાજ અને બટાકાંની ચિપ્સ બનાવતી કંપનીઓ દ્વારા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા વવાતા સંતાના જાતનાં બટાકાંનું વાવેતર થાય છે. દેશી બટાકાંના ભાવમાં અનિયમિતતા તેમજ કોલ્ડ સ્ટોરેજ ફુલ થઈ જવાના કારણે ખેડૂતો દરવર્ષે ભાવમાં અને ઉત્પાદનમાં કંઈક મુશ્કેલીનો સામનો કરતા હોય છે, જેની સામે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિ દ્વારા વાવેતર કરતા ખેડૂતોને નફો અને ઉત્પાદન બંને સારું મળી રહે છે, જેમાં 50 ટકા જેટલો નફો ખેડૂતોને મળે છે.
વિજાપુરના રણસીપુર, પીરોજપુરા, સરદારપુરા, રામપુર કોટ, ટેચાવા જેવાં ગામોમાં મોટા ભાગના ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી બટાકાંનું વાવેતર કરે છે. જેમાં ખેડૂતોને કંપની દ્વારા બિયારણ અપાય છે, જેમાંથી જે ઉત્પાદન મળે તે કંપનીને આપવાનું હોય છે. જેની સામે કંપની તેમને બજાર કરતાં સારા ભાવ આપતી હોય છે. દરવર્ષે ભાવ ફિક્સ હોય છે આ વર્ષે એક મણ બટાકાંનો ભાવ રૂ. 285નો કંપનીએ નક્કી કરી આપ્યો છે. રણસીપુર ગામમાં મેકેઇન, બાલાજી તેમજ આઇફોન નામની બટાકાંની પ્રોસેસિંગ કરતી કંપનીઓ ખેડૂતો પાસે બટાકાંનું વાવેતર કરાવીને તેનું ઉત્પાદન લે છે.