સુરતઃ મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીમાંથી કોર્પોરેશનની ચૂંટણી જીતી કોર્પોરેટર બનેલા અને ત્યારબાદ ભાજપમાં જોડાવાનાં અભરખાં વચ્ચે સસ્પેન્ડ થયેલા કોર્પોરેટર રાજેશ મોરડિયા સામે ઉતરાણ પોલીસ મથકમાં અલગ-અલગ ખંડણીના ગુના નોંધાયા હતા. ત્યાર બાદ પોલીસ દ્વારા હવે કડક કાર્યવાહી કરાઈ છે અને કોર્પોરેટર રાજેશ મોરડિયાને પાસા હેઠળ મહેસાણા જેલમાં ખસેડાયો છે.
રાજેશ મોરડિયા સામે ખંડણીની ફરિયાદ
મોટા વરાછાના રોનક પટેલે કોર્પોરેટર રાજેશ મોરડિયા અને પંકજભાઈ પટેલ સામે ખંડણીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાજેશ અને પંકજ તેમની પાસે આવ્યા હતા, જ્યાં રાજેશે કોર્પોરેટર હોવાની ધોંસ મારી મારું ટેમ્પરરી સ્ટ્રક્ચર તોડાવી નાખીશ એમ કહીને રૂ. 7 લાખની માગ કરી હતી. જો કે રોનકે રૂ. 7 લાખ આપવાની ના પાડતાં જ પંકજ અને રાજેશે મને ચપ્પુ કાઢી ધમકાવી મારી પાસેથી રોકડ રૂ. 1 લાખ પડાવી લીધા હતા.