‘દાળ ઢોકળી’ એટલે કે એક યંગીસ્તાન કોમેડી નાટક એટલે કે આજના ઝેન-ઝીની વાર્તા. જેમાં લવ છે, રોમાન્સ છે, મેરેજ છે, ફેમિલી છે, બ્રેકઅપ છે અને ઇન્ડિયન કલ્ચરની સુગંધ પણ. કહેવાય છે કે પ્રેમનો એક જ એન્ગલ હોય, પ્રેમ. પણ જ્યારે આ જ પ્રેમ લગ્નમાં પરિણમે છે ત્યારે ઘણા બધા એન્ગલ્સ આપમેળે તેમાં આવી જાય છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’માં જ્યારે ત્રણ કલાકની મગજમારી પછી શાહરુખ ખાન ચાલતી ટ્રેને કાજોલનો હાથ પકડી તેને ટ્રેનમાં ખેંચે છે, એ પછી એ બન્નેનું શું થાય છે? શું ‘દિલવાલે’ અને ‘દુલ્હનિયા’ વચ્ચેનો પ્રેમ આજીવન અકબંધ રહે છે? નથી વિચાર્યું ને? બસ તો ‘દાળ ઢોકળી’ વાર્તાનો પ્રારંભ એ ટ્રેન સિકવન્સ પછી થાય છે. અહીં પણ એક રાજની જગ્યાએ રાહુલ છે, અને સિમરનની જગ્યાએ અંજલી. અને તેમની સાથે છે અંજલીના મમ્મી, રાહુલના પપ્પા અને એક દિલફેંક પાડોશી. આ બધા ઉપરાંત છે પ્રેમ, લગ્ન અને એક ત્રીજો એન્ગલ.
આજની જનરેશનને સંબંધો બાંધવા માટે ના તો કોઈ કારણની જરૂર પડે છે કે ના તો સંબંધો તોડવા માટે. એક નજરે કોઈ ગમી જાય એટલે પ્રેમ અને એક દિવસ પણ ન ફાવે એટલે બ્રેકઅપ. શું તમે કદી વિચાર્યું છે કે આજથી વીસ, ત્રીસ ચાળીસ કે પચાસ વરસ પહેલાં એક છોકરો-છોકરી એકબીજાને જોયા કે મળ્યા વગર લગ્ન કરી લેતાં હતાં અને એ લગ્નબંધનને આજીવન નિભાવી પણ જાણતા હતાં. એવું પણ નથી કે એ લોકોના લગ્ન-જીવનમાં ઝઘડા નહોતાં કે પછી એ લોકો ‘પર્ફેક્ટ કપલ’ હતાં, પણ એ લોકો એકબીજા સાથે સંમત નહોતા થતા ત્યારે માત્ર રિસાઈ જતાં, પણ આજે હવે રિસાવાનો ટ્રેન્ડ નથી રહ્યો, હવે ડાયરેક્ટ વાત થાય છે ડિવોર્સની. પણ આવું કેમ? ‘દાળ ઢોકળી’ નિહાળશો સમજાઇ જશે. પહેલાં મા-બાપ લગ્ન પછી સંતાનોના જીવનમાં ડોકિયું જ કરતાં હતાં, જ્યારે હવે દખલ કરે છે. પહેલાંના કપલ લગ્નજીવન સાથે સામાજિક બંધનમાં પણ બંધાતા હતાં પણ આજના કપલ તો લગ્નબંધનમાં પણ માંડ માંડ બંધાય છે. ‘દાળ ઢોકળી’ આમ તો બે અલગ અલગ વાનગીનું પ્રમાણસર મિશ્રણ છે પણ જો એ મિશ્રણ પ્રમાણસર ન થાય ત્યારે સ્વાદ બગડે. લગ્ન-જીવનનું પણ એવું જ છે, પતિ-પત્ની બે અલગ અલગ વ્યક્તિ અને વ્યક્તિત્વ છે, જો બન્ને એકબીજામાં પ્રમાણસર ન ભળે તો આખું જીવન બગડે. ‘દાળ ઢોકળી’ નાટક આ જ શીખવાડે છે કે એકમેકમાં પ્રમાણસર કેવી રીતે ભળવું.
યુકેમાં 26 એપ્રિલથી 18 મે દરમિયાન લેસ્ટર, વેલિંગબરો તેમજ લંડનમાં રાયસ્લીપ, વૂડબ્રીજ, વેમ્બલી, ફિંચલી, ક્રોયડન, કેન્સિંગ્ટન અને પોર્ટ્સબારમાં કુલ 15 શો યોજાયા છે.
છેલ્લા 25 વર્ષથી ભારતના બેસ્ટ ગુજરાતી નાટકો પંકજ સોઢા યુકેમાં પ્રમોટ કરે છે. ટિકિટ બુક કરાવવા માટે જુઓ જાહેરાત પાન નં. 13.
‘ગુજરાત સમાચાર’ આ નાટકનું પ્રિન્ટ મીડિયા પાર્ટનર છે.