નવી દિલ્હીઃ મંગળવારે કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ-થાની નવી દિલ્હી પહોંચ્યા હતા, જેમનું સ્વાગત કરવા ખુદ પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીને જોતાં જ અમીર શેખ તેમને ભેટી પડ્યા હતા.
કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ-થાનીની ભારત મુલાકાત દરમિયાન બંને દેશોએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, કતાર ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં 10 અબજ ડોલરનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ અંગે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેમની કતારના અમીર સાથે નિર્ણયાત્મક બેઠક થઈ છે.પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે, અમારી વાટાઘાટોમાં વેપાર મુખ્ય વિષય હતો. અમે ભારત-કતાર વેપાર સંબંધોને વધારવા પૂર્ણ પ્રયાસ કરવા માગીએ છીએ. મોદીએ સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં કહ્યું કે, 10 વર્ષમાં કોઈ કતારી અમીર દ્વારા દક્ષિણ એશિયાઈ રાષ્ટ્રની આ પહેલી મુલાકાત હતી.બંને દેશના સંયુક્ત નિવેદન અનુસાર, કતાર ભારતમાં માળખાગત સુવિધા, ટેક્નોલોજી, ઉત્પાદન, ખાદ્ય સુરક્ષા, લોજિસ્ટિક્સ, આતિથ્ય અને અન્ય ક્ષેત્રોમાં 10 અબજ ડોલરનું રોકાણ કરશે. જેની સામે ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, બંને દેશો આગામી 5 વર્ષમાં તેમના વાર્ષિક વેપારને બમણો કરીને 28 અબજ ડોલર કરવાનો લક્ષ્યાંક રાખશે અને મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર પણ થઈ શકે છે.
માર્ચ 2023 માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર 18.77 બિલિયન ડોલર હતો, જેમાં મુખ્યત્વે કતારથી લિક્વિફાઇડ નેચરલ ગેસની આયાતનો સમાવેશ થાય છે. તે વર્ષે ભારતની LNG આયાતમાં કતારનો હિસ્સો 48 ટકાથી વધુ હતો.બંને પક્ષોએ કહ્યું કે, તેઓ દ્વિપક્ષીય ઊર્જા સહયોગ વધારવા માટે કામ કરશે, જેમાં ઊર્જાક્ષેત્રે માળખાગત સુવિધાઓમાં પરસ્પર રોકાણનો પણ સમાવેશ થાય છે, તેમજ દ્વિપક્ષીય વેપારના સમાધાન પર ધ્યાન આપવામાં આવશે.