દેવભૂમિ દ્વારકાઃ સ્વર્ગનું પ્રવેશદ્વાર માનવામાં આવતી શ્રીકૃષ્ણની રાજધાની દ્વારકામાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસકાર્યો હાથ ધરાયાં છે. ચાર મઠ પૈકીની એક દ્વારકા ખાતે ગુજરાત સરકાર એક ખાસ કોરિડોર બનાવવા જઈ રહી છે, જે પૈકી ભગવાન કૃષ્ણની 108 ફૂટની વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ પણ બનાવાશે. આ ઉપરાંત કોરિડોરમાં વોક-વે, વોલ પેઇન્ટિંગ, ભોજનશાળા, ઇકો ટૂરિઝમ, વોટર સ્પોર્ટ્સ, મરિન ઇન્ટરપ્રિટેશન સેન્ટર, લેક ફ્રન્ટ, ડોલ્ફિન ગેલેરી જેવી સુવિધા પણ હશે.
3 તબક્કામાં થશે કામ
દ્વારકાનાં વિકાસકાર્યો ત્રણ તબક્કામાં પૂર્ણ થશે. જે પૈકી પ્રથમ તબક્કામાં દ્વારકાધીશ જગત મંદિરથી રુક્મિણી મંદિર સુધીનો વિકાસ કરાશે. આ તબક્કામાં રૂ. 138 કરોડના ખર્ચે એક ખાસ વ્યૂઇંગ ગેલેરી બનાવાશે, જેમાં જૂની દ્વારકા નગરીની ઝલક જોવા મળશે. બીજા તબક્કામાં બેટ દ્વારકાના મુખ્ય મંદિરથી હનુમાન દંડી સુધીનો વિકાસ કરાશે, જેમાં ખુલ્લા સમુદ્રને જોઈ શકાય તેવું સ્ટ્રક્ચર બનાવાશે. શ્રદ્ધાળુઓને તડકામાં લાઇનમાં ન ઊભા રહેવું પડે તેવી વ્યવસ્થા કરાશે તેમજ બેટ દ્વારકાથી હનુમાન દંડી વાહનો લઈને જઈ શકાય એવી વ્યવસ્થા પણ કરાશે. છેલ્લા અને ત્રીજા તબક્કામાં નાગેશ્વર મંદિર અને ગોપી તળાવનો વિકાસ કરાશે. આ બધાં આકર્ષક સ્થળોને જોડવામાં આવશે.