નવી દિલ્હીઃ રેલવે સ્ટેશન પર શનિવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રેલવે સ્ટેશન પર શનિવારે મોડી રાત્રે મહાકુંભમાં જનારા મુસાફરોની ભીડ એકાએક વધી જતાં નાસભાગ મચી હતી, જેને કારણે 15થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા હતા.
આ અંગે માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે, શનિવારે મહાકુંભમાં જવા માટે પ્રયાગરાજની ટ્રેનમાં જવા માટે મોટી સંખ્યામાં લોકો પ્લેટફોર્મ નંબર 14 અને 15 પર એકઠા થયા હતા. પ્રયાગરાજ જતી 3 ટ્રેનના યાત્રીઓ એક જ સમયે પ્લેટફોર્મ પર પહોંચી ગયા હતા, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફનો સામનો કરવો પડ્યો હતો અને કેટલાક લોકો બેભાન થઈ ગયા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, બેભાન 3 મહિલાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાઈ હતી. અધિકારીઓએ તાત્કાલિક બચાવ ટીમની સાથે રાહતકાર્યમાં મદદ કરવા માટે 4 ફાયર ટેન્ડર સ્થળ પર મોકલવામાં આવ્યાં હતાં.