પોર્ટ લુઇસઃ મોરેશિયસના ભૂતપૂર્વ વડા પ્રધાન પ્રવિંદ જગનાથને મની લોન્ડરિંગના આરોપમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. જગનાથની શનિવારે નાટકીય રીતે ધરપકડ કરાઈ હતી. ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીએ જુગનાથના ઘર સહિત 10 સ્થળે દરોડા પાડીને રોકડ અને વૈભવી ઘડિયાળો કબજે કર્યા પછી અન્ય 3 શખ્સની ધરપકડ કરી હતી. જગનાથનાં પત્ની કોબિતાની કલાકો સુધી પૂછપરછ બાદ મુક્ત કરાયાં હતાં. પૂર્વ વડાપ્રધાનના વકીલે કહ્યું કે, જગનાથે તેમની સામેના આરોપોને નકારી કાઢ્યા છે. જગનાથના સહઆરોપીઓ એવા બે અગ્રણી ઉદ્યોગપતિઓ અને ડેપ્યુટી મેયર હજુ જેલમાં છે. તેમની જામીન અરજીનું પરિણામ બાકી છે. તેમના વકીલોએ તેમની સામેના આરોપો અંગે હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી. દરોડા દરમિયાન યુએસ ડોલર, યુરો અને યુએઈ દિરહામ સહિત લગભગ 24 લાખ ડોલર જપ્ત કરાયા હતા.