અમેરિકાના પ્રમુખપદે ચૂંટાઇ આવેલા ડોનાલ્ડ ટ્રમ્પનો એજન્ડા ધીમે ધીમે સ્પષ્ટ થઇ રહ્યો છે. મેક અમેરિકા ગ્રેટ અગેઇનના એજન્ડા હેઠળ ટ્રમ્પ ચોંકાવનારા નિર્ણયો લઇને ઘર આંગણે અને વિદેશોમાં પણ હાહાકાર મચાવી રહ્યાં છે. ઘર આંગણે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનો મામલો, સરકારી ખર્ચમાં ઘટાડો કરવા હજારો કર્મચારીઓની છટણી સહિતના મુદ્દે ટ્રમ્પના નિર્ણયો અમેરિકી નાગરિકોને કનડી રહ્યાં છે તો વિશ્વ આરોગ્ય સંસ્થા અને પર્યાવરણ સમિટ સાથે છેડો ફાડવો, મીડલ ઇસ્ટમાં પેલેસ્ટિનિયનોને ગાઝા પટ્ટી છોડી અન્યત્ર ચાલ્યા જવાની ધમકી, યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં પુતિનની તરફેણ અને ટેરિફની નીતિ વૈશ્વિક નેતાઓને પરેશાન કરી રહ્યાં છે.
યુક્રેન મામલે ટ્રમ્પ જે રીતે નિર્ણયો લઇ રહ્યાં છે તે જોતાં યુરોપના દેશોનો અમેરિકા પરનો વિશ્વાસ ઘટી રહ્યો છે. પુતિન સાથેની શાંતિ મંત્રણામાં ટ્રમ્પે કોઇપણ યુરોપિયન દેશને સામેલ કરવાનો ઇનકાર કરી દીધો છે. ટ્રમ્પની આ ચોંકાવનારી જાહેરાતને પગલે યુરોપમાં ટ્રમ્પની સામે બાંયો ચડાવવી કે પછી શરણે થઇ જવું તે ચર્ચાએ વેગ પકડ્યો છે. અમેરિકન પ્રમુખ યુરોપમાં અલગ પ્રકારની ભૂરાજકીય સોદાબાજીને અંજામ આપી રહ્યાં છે અને તેની દુરોગામી અસરોની કલ્પના યુરોપના ઘણા નેતાઓને ધ્રુજાવી રહી છે. તેમને ભય છે કે ટ્રમ્પ આક્રમક અને પ્રતિકૂળ માનસિકતા ધરાવતા પુતિન સામે યુરોપિયન દેશોને એકલા તરછોડી રહ્યાં છે.
યુરોપના દેશો માટે ટ્રમ્પને નાખુશ કરવા પણ સહેલું નથી. નાટો સંગઠન મુદ્દે પણ ટ્રમ્પ આકરું વલણ અપનાવી રહ્યાં છે. અમેરિકાની આર્થિક અને લશ્કરી તાકાત સામે સમગ્ર યુરોપ પણ બાથ ભીડી શકે તેમ નથી ત્યારે રશિયા સાથેની ટ્રમ્પની નિકટતા વધુ ચિંતા ઉપજાવી રહી છે. ટ્રમ્પ અને પુતિનની જોડી હાથ મિલાવી લે તો અમેરિકા અને રશિયાની ધરી સામે સમગ્ર વિશ્વ ટકી શકે નહીં. યુક્રેન યુદ્ધના કારણે રશિયા પણ આંતરિક રીતે તો ધરાશાયી થઇ જ ચૂક્યું છે પછી ભલે ને તેની પાસે અમાપ પરમાણુ શક્તિ કેમ નહોય. પશ્ચિમના દેશો દ્વારા લદાયેલા પ્રતિબંધોમાંથી મુક્તિ થવાની રશિયાને પણ તાતી જરૂર છે તેથી પુતિન પણ ટ્રમ્પનો પાલવ પકડીને આગળ વધવામાં જ શાણપણ ગણીને આગળ વધી રહ્યાં છે. એ વાતમાં શંકા નથી કે પુતિન રશિયાનો મહત્તમ લાભ અંકે કરવાનો પ્રયાસ કરશે ત્યારે જોવું રહ્યું કે જટિલ કૂટનીતિમાં કોનું પલડું ભારે રહે છે.
યુરોપના દેશોની સ્થિતિ પણ સારી નથી. મોટાભાગના યુરોપિયન દેશ આજે આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છે. બ્રિટનની સ્થિતિથી આપણે સારી રીતે વાકેફ છીએ. જર્મનીનું અર્થતંત્ર સંકોચાઇ રહ્યું છે તો ફ્રાન્સ પણ અનેક સમસ્યાનો સામનો કરી રહ્યો છે. સ્કેન્ડિવેનિયન દેશોની પોતાની અલગ દુનિયા છે. તેઓ આર્થિક રીતે ભલે સમૃદ્ધ હોય પરંતુ લશ્કરી મોરચે ઢીલાં પડે છે. આવી સ્થિતિમાં યુરોપિયન દેશોને ટ્રમ્પની મનમાની સામે ઝૂકવા સિવાય અન્ય કોઇ આરો પણ દેખાતો નથી. તેથી જ ટ્રમ્પને ખુશ કરવા કેટલાક યુરોપિયન દેશોએ તો કવાયત પણ શરૂ કરી દીધી છે. ખાસ કરીને રશિયા સાથે સરહદો ધરાવતા પૂર્વ યુરોપના દેશો પોલેન્ડ, ચેક રિપબ્લિક, રોમાનિયા ટ્રમ્પને આધીન થવાની તૈયારી કરી રહ્યાં છે.
યુરોપમાં ટ્રમ્પ સામે ગણગણાટ થઇ રહ્યો છે. ફ્રાન્સના મેક્રોં, જર્મનીના સ્કોલ્ત્ઝ ટ્રમ્પની નીતિનો વિરોધ કરી રહ્યાં છે તો યુક્રેનના ઝેલેન્સ્કી નાટોને સ્થાને યુરોપિયન સેનાની વકીલાત કરી રહ્યાં છે પરંતુ આ દૂરનું સ્વપ્ન છે. ફ્રાન્સ, જર્મની સહિતના યુરોપના દેશોમાં જમણેરી વિચારધારા ધરાવતા પરિબળો મજબૂત બની રહ્યાં છે ત્યારે સત્તા મેળવ્યા બાદ તેઓ પણ ટ્રમ્પની જમણેરી નીતિઓનું સમર્થન કરે તેમાં નવાઇ પામવા જેવું કશું નહીં હોય. તેથી જ ટ્રમ્પ યુરોપના વર્તમાન શાસકો માટે મોટો પડકાર બની રહ્યાં છે.